હળવદની એલીગન્સ ફુડના કારખાનામાં જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

- text


ફેકટરીમાં રૈયાણી બ્રાન્ડની બનતી જુદીજુદી ખાદ્ય વસ્તુઓના નમુના લઈ લેબ માટે વડોદરા મોકલાયા એસઓજી કૌભાંડ ઝડપ્યા બાદ જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ અને હવે ફુડ એન્ડ ડ્રગ્સ દ્વારા ઘઉંના નમુના લેવાયા

- text

હળવદ પંથકમાં ચકચાર જગાવનાર એલીગન્સ ફુડ એન્ડ પ્રોસેસીંગ પ્રા.લી.માં જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડયા હતા. ફુડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી ફેકટરીમાં રૈયાણી બ્રાન્ડની બનતી જુદીજુદી ખાદ્ય વસ્તુઓના નમુના લઈ લેબ માટે વડોદરા મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.
હળવદમાં ગરીબ લોકોના ઘઉં હજમ કરી જનાર એલીગન્સ ફુડ એન્ડ પ્રોસેસીંગ પ્રા.લી.માં ગઈકાલે જિલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટ અને મામલતદાર વી.કે. સોલંકી દ્વારા કોઈની પણ શેહશરમ રાખ્યા વિના બુધવારે સમગ્ર દિવસ દરમિયાન તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. એકમના ગોડાઉનમાં રહેલા ઘઉંનો જથ્થો અંદાજે ૧પથી ૧૭ હજાર મણ શંકાસ્પદ હોવાનું જણાઈ આવતા ગોડાઉન સીલ કરાયો હતો. તેમજ આ ફેકટરીમાં બનતા રૈયાણી બ્રાન્ડના મેંદાનો લોટ, ઘઉંનો લોટ તેમજ સોજીના લોટની તપાસ માટે જિલ્લા ડ્રગ્સ એન્ડ ફુડ વિભાગને જાણ કરાતા અધિકારી ડી.આર.નાંઢા સહિતના ટીમ દ્વારા મોડી સાંજના ફેકટરીમાં વિવિધ બ્રાન્ડના સેમ્પલો લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે રૈયાણી બ્રાન્ડના બનતો મેંદાનો લોટ, ઘઉંનો લોટ તેમજ સોજીના લોટના સેમ્પલો લઈ લેબ માટે વડોદરા ખાતે આવેલ ફુડ એન્ડ ડ્રગ્સની પ્રયોગ શાળામાં મોકલી આપવામાં આવ્યા છે. વધુમાં આ અંગે ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારી શ્રી નાંઢાએ જણાવ્યું હતું કે, અત્રેની ફેકટરીના નમુનાઓ લેવાયા છે અને તેને હાલ વડોદરાની લેબમાં ચકાસણી થયા બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારની રાત્રે એસઓજીએ એલીગન્સ ફુડના કારખાને દરોડો પાડતા સસ્તા અનાજનો જથ્થો ઝડપાતા પંથકના કાળા બજારીઓમાં ભારે ખળભળાટ મચી જવા પામી છે ત્યારે બુધવારે સમગ્ર દિવસ દરમિયાન મામલતદાર સહિત જિલ્લા પુરવઠાના અધિકારી દ્વારા જુદીજુદી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા નમુના લેવામાં આવતા વધુ વિગતો બહાર આવે તેમ ચર્ચાઈ રહ્યું છે.

- text