મોરબીના ૮૨ વર્ષના વૃધ્ધા સુરેન્દ્રનગરના એક દિવસના કલેક્ટર બન્યા !!

- text


વૃધ્ધાને જિલ્લા કલેક્ટરે પોતાની ખુરશી પર માનભેર બેસાડી ચરણ સ્પર્શ કર્યા : ફર્સ્ટ કલાસ ઓફિસરની સંવેદનશીલતા અને લાગણીને જોઈને સૌ કોઈ પ્રભાવિત થયા

મોરબી : મોરબીના ડીડીઓ સમક્ષ રજૂઆત લઈને ગયેલા વૃધ્ધાએ ડીડીઓ જલ્દીથી કલેક્ટર બની જાય તેવી શુભકામના સાથે આશીર્વાદ આપ્યા હતા. આ આશીર્વાદ ફળતા મોરબીના ડીડીઓ સુરેન્દ્રનગરના કલેક્ટર બની ગયા હતા. બાદમાં આ વૃધ્ધા સાથે ભેટો થતા કલેક્ટરે વૃધ્ધાને પોતાની ખુરશી પર બેસાડી દઇ ચરણ સ્પર્શ કર્યા હતા. આમ કલેકટરની ખુરશી પર બેસીને મોરબીના વૃધ્ધા એક દિવસના કલેક્ટર બની ગયા હતા.

મોરબી જિલ્લાના જેપર ગામના ૮૨ વર્ષની વયના જયાબેન અમૃતિયા એક સમયે મોરબી જિલ્લા વિકાસ અધિકારી કે. રાજેશ પાસે અરજદાર તરીકે કામ સબબ ગયા હતા. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી કે. રાજેશે તેમની ઝડપી કામગીરી અને લોકહિતની લાગણીનો પરચો આપીને વૃધ્ધાનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલ્યો હતો. ડીડીઓની ઝડપી કામગીરી થી પ્રસન્ન થઈને જયાબેને ડીડીઓ જલ્દીથી કલેક્ટર બની જાય તેવા અંતરના આશીર્વાદ આપ્યા હતા. બાદમાં રાજ્યના આઈએએસ અધિકારીઓનો બદલીનો દોર શરૂ થયો હતો. જેમાં વૃધ્ધાના આશીર્વાદ ફળતા ડીડીઓને સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે મુકવામાં આવ્યા હતા.

- text

મોરબીના ડીડીઓ કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર બની ગયા છે. આ વાત જયાબેનના કાને થોડી મોડી પહોંચી હતી. પરંતુ જેવી કે તેઓના કાને આ વાત પહોંચી તેઓ હરખભેર સુરેન્દ્રનગર જિલ્લા સેવા સદને પહોંચ્યા હતા. જ્યાં તેઓ કે. રાજેશને મળતા તેઓએ જયાબેનને માનભેર પોતાની ખુરશી પર બેસાડયા હતા અને જયાબેનના ચરણ સ્પર્શ પણ કર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની ખુરશી પર બેસીને સામાન્ય પરિવારમાથી આવતા વૃધ્ધને એક દિવસના કલેક્ટર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.

આ સમગ્ર ઘટના મોરબીના પૂર્વ ડીડીઓ અને સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર કે. રાજેશની લોકલાગણીની અનુભૂતિ કરાવે છે. કે. રાજેશ અગાઉ પણ મોરબી જિલ્લાના અનેક કામોમાં સંવેદનશીલ નિર્ણયો લઈને પોતાની લોકલાગણીનો પરચો આપી ચુક્યા છે. ફર્સ્ટ કલાસ ઓફિસર અને એક સામાન્ય અરજદાર વચ્ચેના આ સંબંધે સૌ કોઈને અચંબામાં મૂકી દીધા છે.

- text