મોરબી તાલુકાના વિવિધ પ્રશ્ને જિલ્લા પ્રભારી મંત્રીને તાલુકા ભાજપની રજુઆત

- text


જિલ્લા પ્રભારીએ ગાંધીનગર ખાતે જે તે વિભાગના મંત્રી સાથે ચર્ચા કરી પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપી

મોરબી : મોરબી તાલૂકાના વિવિધ પ્રશ્નો અંગે તાલુકા ભાજપે જિલ્લા પ્રભારી સૌરભ પટેલને રજુઆત કરી હતી. ત્યારે જિલ્લા પ્રભારીએ રજુઆત પ્રત્યે હકારાત્મક વલણ દાખવીને ગાંધીનગર ખાતે જે તે વિભાગના મંત્રીઓ સાથે તાલુકાના તમામ પ્રશ્નો અંગે ચર્ચા કરી યોગ્ય ઉકેલ લઈ આવવાની ખાતરી આપી હતી.

તાલુકા ભાજપે જિલ્લા પ્રભારીને રજૂઆતમાં જણાવ્યું હતું કે રવાપર ગામની વસ્તી ૨૦૧૧ મુજબ ૧૨,૨૦૬ છે. પરંતુ રવાપર ગામ મોરબી શહેરની તદ્દન નજીક હોવાથી હાલ ગામની વસ્તી ૪૦ થી ૫૦ હજાર જેવી છે. આ ગામને પાણી પૂરવઠા દ્વારા પીવાનું પાણી જૂની વસ્તી મુજબ આપવામાં આવે છે. હાલની જૂથ યોજના નાની છે. ત્યારે વસ્તી પ્રમાણે જૂથ યોજના બનાવવામાં આવે તેવી માંગ છે.

- text

વધુમાં જણાવાયું હતું કે ખરેડા, બંકળા, ઝીકીયારી, જીવાપર, ચકમપર, રંગપર, બેલા, શનાળા, નીચી માંડલ, ઉંચી માંડલ, આંદરણા ગામો માટેની ઘોડાદ્વિ ડેમ પાણી પુરવઠા જૂથ યોજના મંજુર થયેલ છે. તેમા ટીએસ અને ટેન્ડરિંગની પ્રક્રિયા થાય તેથી કામ આગળ ધપી શકે. ઉપરાંત અન્ય ૭ ગામોની મચ્છુ- ૨ ડેમ પાણી પુરવઠા જૂથ યોજનાનું કામ પણ આગળ ધકેલવામાં આવે તેવી માંગ છે.

વધુમાં ઉમેર્યું કે વરસાદ પાછળ ખેંચાતા નર્મદા કેનાલ મારફતે મચ્છુ-૨ ડેમમાં પાણી ઠાલવવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હજી સુધી પાણી ઠાલવવામાં આવ્યું નથી. મોરબી- રાજકોટ હાઇવે પર આવેલ નવલખી ફાટક પાસે ટ્રાફિક સમસ્યા હળવી બનાવવા માટે ઓવરબ્રિજને મંજૂરી મળી છે. પરંતુ આજ સુધી કામ શરૂ થયું નથી. ઉપરાંત મોરબી તાલુકામાં બંધ થયેલ સસ્તા અનાજની દુકાનો અન્યને ફાળવવાની કાર્યવાહી ઝડપથી કરવામાં આવે તેવી માંગ છે.

- text