બેલા ( રંગપર )ગામની પાણીની લાઈનમાંથી પાણીચોરી : કલેકટરને રાવ

- text


ઉંચીમાંડલ ગામેથી આવતા પાણી કંપનીઓ લૂંટી લેતા ગ્રામજનો ગંદા પાણી પીવા મજબૂર : પાણી પુરવઠા બોર્ડના લાલચુ અધિકારી પૈસા લઈ ૧૨ ફેકટરીઓમાં પાણી વેંચતા હોવાનો આરોપ

મોરબી : મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામને પીવાના પાણી આપવા નાખવામાં આવેલી મુખ્યલાઈનમાં ભંગાણ કરી સીરામીક ફેકટરીઓ દ્વારા પાણી ચોરી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી રજુઆત જિલ્લા કલેકટર સમક્ષ કરી પંચાયત દ્વારા પગલાં ભરવા માંગ કરાતા ચકચાર જાગી છે.

બેલા (રંગપર) ગ્રામ પંચાયત દ્વારા આજે જિલ્લા કલેકટર સમક્ષ ચોકવનારી રજુઆત કરતા જણાવ્યું હતું કે ૫૦૦૦ ની વસ્તી ધરાવતા બેલા ગામમાં મોટા પ્રમાણમાં માલધારીઓ અને પશુપાલકો રહે છે અને ઉનાળાના કપરા દિવસોમાં હાલ પાણી ન મળતું હોય ગ્રામજનોને ગામના પ્રદુષિત તળાવનું પાણી પીવું પડે છે.

વધુમાં ગ્રામપંચાયત દ્વારા થયેલી રજુઆતમાં ચોંકાવનારો આક્ષેપ કરી જણાવાયું હતું કે બેલા (રંગપર) ગામને હાલમાં ઉંચીમાંડલ ગામેથી સંપ મારફત આઠ કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખી પાણી આપવામાં આવે છે પરંતુ વચ્ચે આવેલા સીરામીકને કારખાનાઓમાં ગેરકાયદેસર રીતે બાકોરા પાડી પાણી ચોરી કરવામાં આવી રહી હોવાથી ગ્રામજનોને ગંદા પાણી પીવા પડે છે.

- text

બેલા ગ્રામપંચાયત અને ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત સમયે ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે બેલા આજુબાજુમાં ૧૨ જેટલી સીરામીક ફેકટરીઓ આવેલી છે અને પાણી પુરવઠા બોર્ડના લાલચુ અધિકારીઓ પૈસા લઈને પાણી આપી રહ્યા છે ત્યારે આ પાણી ચોરી કૌભાંડમાં જવાબદારો સામે પણ પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ બેલા ગામના સરપંચ મનુભાઈ રબારીએ જિલ્લા કલેકટરને રજુઆત કરી પાણી ચોરી બંધ કરાવવા કનેક્શન કપાવ્યા હતા અને ફરી પાછી એ જ પરિસ્થિતિ ઉભી થતા ગ્રામજનો દ્વારા કલેકટર તંત્ર સમક્ષ કડક હાથે પગલાં ભરવા રજુઆત કરવામાં આવી છે.

- text