ફિલ્મ રીવ્યુ : 102 નૉટ આઉટ ( હિન્દી) : બાલ હૈ સફેદ ઔર ખ્વાબ આસમાન રંગ કે!

- text


અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરને એક સાથે એક ફિલ્મમાં જોવા એ જ સૌથી મોટી વાત કહેવાય, ને આપણા ગુજરાતી નાટક ‘102 નોટ આઉટ’ પરથી બનતી ફિલ્મ હોય તો, તો જોવાની અદમ્ય ઈચ્છા થઈ જ જાય. બહુ ચર્ચિત આ નાટકના લેખક સૌમ્ય જોશીએ જ આ મુવીનો સ્ક્રિનપ્લે અને ડાયલોગ્સ લખ્યા છે, તો ‘ઓહ માય ગોડ’ના ડિરેક્ટર ઉમેશ શુક્લાનું ડિરેક્શન હોવાથી નાટક કરતાં ફિલ્મ વધુ અસરકારક બનશે એવી થોડી શ્રદ્ધા તો થઈ જ આવે!

તો સ્ટોરી જાણે એમ છે કે, 102 વર્ષના દત્તાત્રેય વખારીયા (અમિતાભ બચ્ચન) પોતાના 75 વર્ષના સંતાન બાબુલાલ (ઋષિ કપૂર)ને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો નિર્ણય કરે છે. કેમ કે તેઓ એકદમ બોરિંગ જિંદગી જીવે છે. પિતાને લાગે છે કે, પોતાનો પુત્ર સાવ નિરાશાવાદી અને ખરાં અર્થમાં વૃદ્ધ થઈ ગયો છે, મરી મરીને જીવે છે. પિતા પોતે ઝિંદાદિલ ઇન્સાન છે અને પોતે વધુ જીવવા ઈચ્છે છે એટલે પોતાના પુત્રને કેટલીક શરતો સાથે પોતાની સાથે રાખવા તૈયાર થાય છે. આ શરતો અને એ પાછળનો પિતાનો ઉમદા હેતુ અને એ દ્વારા લેખકનો જિંદગી વિશેનો દૃષ્ટિકોણ તો આપ ફિલ્મ જોઈને જ સમજી જ શકશો. પણ એક લીટીનો સંદેશ એવો છે કે, ‘જિંદગીને હસતાં હસતાં જીવી લો!’

ફિલ્મની શરૂઆતની ક્રેડિટમાં આવતા મુંબઈના કાર્ટૂન એનિમેશન તેમજ અમુક સીન્સ વચ્ચે આવતાં પેઇન્ટિંગસ ખૂબ સરસ છે. સ્ટીલ ઇમેજમાં કેટલીક ઘટનાઓ આપણા દિમાગમાં ફોટા સ્વરૂપે જાણે કેદ થઈ જાય છે. શરૂઆતમાં મુંબઈના વિવિધ સ્થળોમાં કાર્ટૂનમાં પંચરની દુકાન અને લોકલ ટ્રેનના કોચ નંબર પર લખેલું ‘102’ સિમ્બોલિક છે.

ફિલ્મમાં પિતા પુત્રની વચ્ચે કડી રૂપ એવું પાત્ર ધીરુ (જિમિત ત્રિવેદી)નું છે. એમણે ગુજરાતી બેકગ્રાઉન્ડમાં બનેલી આ ફિલ્મમાં ગુજરાતી ગામડીયા તરીકે સરસ એકપ્રેશનફૂલ રોલ કર્યો છે. ફિલ્મમાં કોઈ જ સ્ત્રીપાત્ર નથી. એક બે સીનમાં કામવાળીબાઈ કોઇપણ ડાયલોગ બોલ્યા વિના દેખાય આવે છે. ફિલ્મની મને ગમેલી વિશેષતા એ છે કે, પાત્રોનું દરેક પાત્રોનું વીરા કપૂરે કરેલું કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ ખૂબ બોલકું છે. કાયમી ફન્કી ટીશર્ટ પહેરતાં અમિતાભજીને ઈન્ટરવલ પછી ધીમે ધીમે ઝભ્ભામાં બતાવ્યા છે, તો આખા મૂવીમાં સિમ્પલ શર્ટ પહેરતાં ઋષિજીને બદલાઈ ગયાના પ્રતિકરૂપે છેલ્લા સીનમાં ટીશર્ટમાં બતાવ્યા છે.

- text

નાટક નાટક હોય છે ને ફિલ્મ ફિલ્મ હોય છે. બંનેમાં મોટેભાગે નાટક પહેલાં બને એના પરથી ફિલ્મ બને છે. અહીં નાટકની આભા એક્ટર, ડિરેક્ટર અને દર્શકના દિમાગ પર તો હોવાની જ. નાટકમાં જે અભિનયથી ન બતાવી શકાય, તે વોઈસ ઓવરથી નેરેશન કરવામાં આવે, જ્યારે ફિલ્મમાં સેટ્સ અને શોટ્સની મર્યાદા નડતી નથી. આ 102 નૉટ આઉટ ફિલ્મ જોતાં આ મર્યાદા દૂર થઈ હોય એવું લાગ્યું નહીં. વિલે પાર્લેના શાંતિભુવન નામના ઘરમાં જ મોટાભાગનું શૂટિંગ થયું છે અને કેમેરાનું કામ ખુબ જ ઓછા વેરીએશન વાળું છે. ( વ્હીલચેરમાં વરસાદમાં પલળવાનો સીન બાદ કરતાં) તો મેકઅપમાં 75 વર્ષ અને 102 વર્ષનો ફર્ક ખાસ દેખાતો નથી. ફિલ્મમાં પ્લસ પોઇન્ટ બની શકત એવા અમિતાભ સરનું વોઇસ રેકોર્ડિંગ પ્રોપર નથી. અમુક સિક્વન્સમાં આ નબળું વર્ક આખા સીનની ધારી અસર ઉપજાવતું નથી.

જોવાય કે નહીં?
અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર એક સ્ક્રિન શેર કરે એ જોવાનો લ્હાવો એકમાત્ર કારણ છે. ઓલ્ડએજના લોકોને તો પોતાનો બળાપો કાઢવા આ ફિલ્મ ચોક્કસ ગમશે જ. યુવાનોને ખાસ આકર્ષે એવી આ ફિલ્મ તો નથી જ, પણ જેમણે આ નાટક જોયું નથી, એમને કદાચ ગમે!

‘ગુજરાતી’નાટક પરથી બનેલું મુવી ગુજરાતી બ્રેકગ્રાઉન્ડવાળું જ હોવું જોઈએ એ જરૂરી નથી, સ્ટોરીની જે મુજબની જરૂરિયાત હતી એ પ્રમાણે તો ‘પંજાબી’ ફેમીલી કલ્ચર લીધું હોત તો કદાચ વધુ નિખાર આવત!

રેટિંગ : 5.5/10

આલેખન : મનન બુધ્ધદેવ

- text