વિશ્વ ઉમિયાધામના નિર્માણ માટે મોરબીના પાટીદાર અગ્રણીઓએ વહાવી દાનની સરવાણી

- text


પાટીદારોના વૈશ્વિક સંગઠનના વિચારબીજ પાટીદાર ભામાશા સ્વ.ઓ.આર.પટેલ અને સ્વ.કેશુભાઈ શેઠે રોપ્યા હતા, જેનો હું સાક્ષી છું : ગોવિંદભાઇ વરમોરા

મોરબી : અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામના રૂ.૧ હજારના કરોડના સમાજલક્ષી પ્રોજેકટને મૂર્તિમંત કરવા અર્થે મોરબીના જોધપર ખાતે આવેલા મેટ્રો પાર્ટી પ્લોટમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સમાજશ્રેષ્ઠી સંગમ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક મહાનુભાવોની પ્રેરક હાજરી આપીને પાટીદારોના વૈશ્વિક સંગઠન વિશ્વ ઉમિયાધામ વિશે પોતાના પ્રતિભાવો જણાવ્યા હતા. આ તકે સમાજશ્રેષ્ઠી સંગમ સમારોહના અંતે આભારવિધિ કરતા સનહાર્ટ ગ્રૂપના ગોવિંદભાઇ વરમોરાએ જણાવ્યું હતું કે વિશ્વભરના પાટીદારોના જોડાણ અર્થે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. વિશ્વના પાટીદારોનું આ વૈશ્વિક સંગઠન ૨૧મી સદીમાં નવી ક્ષિતિજો સર કરશે. પાટીદારોના આ વૈશ્વિક સંગઠનના વિચારબીજ પાટીદાર ભામાશા સ્વ.ઓ.આર.પટેલ અને સ્વ.કેશુભાઈ શેઠે રોપ્યા હતા, જેનો હું સાક્ષી છું.

સનહાર્ટ ગ્રૂપના ગોવિંદભાઇ વરમોરાએ વધુમાં જણાવ્યું કે પાટીદારોના વૈશ્વિક સંગઠનનું વિચારબીજ ૨૦૧૦માં મોરબીના પાટીદાર ભામાશા સ્વ.ઓ.આર.પટેલ અને સ્વ.કેશુભાઈ શેઠે રોપ્યા હતા. વધુમાં ગોવિંદભાઈએ કહ્યું કે આ વિચારબીજના તેઓ સાક્ષી હતા. બન્ને અગ્રણીઓ સ્વર્ગવાસ થતા તેમના વૈશ્વિક સંગઠનના વિચારબીજને કઈ રીતે મૂર્તિમંત કરવું તે અંગે ચિંતા સેવાઇ રહી હતી. પરંતુ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને આ વિચારબીજને મોટું વટવૃક્ષ બનાવવાની નેમ લઈ વૈશ્વિક સંગઠન બનાવવાની દિશામાં કામ શરૂ કર્યું જે સમાજ માટે ખુશીની વાત છે.

- text

સમાજશ્રેષ્ઠી સંગમ સમારોહમાં મોરબીના અગ્રણીઓએ સહયોગ આપવાનું આહવાન ઝીલીને દાનની સરવાણી વહાવી હતી જેમાં મૂળ મોરબીના હાલ વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલે રૂ.૫ કરોડ, સિમ્પોલો ગ્રુપના ઠાકરશીભાઈ અઘારાએ રૂ.૨.૨૨ કરોડ, સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઇ વરમોરાએ રૂ.૧.૨૫ કરોડ, વરમોરકયા ગ્રુપના પરસોતમભાઈ વરમોરાએ રૂ.૧.૨૫ કરોડ, ઓરપેટ ગ્રુપના પ્રવીણભાઈ ભાલોડિયાએ ૨.૭૫ કરોડ, કાંતિલાલ અમૃતિયાએ રૂ.૧.૧૧ કરોડ, મોટો ગ્રૂપના ત્રમ્બકભાઈ ફેફરે રૂ.૧.૧૧ કરોડ, ઓએસીસ ગ્રૂપના સુખદેવભાઈ પટેલે રૂ.૫૦ લાખ, ડેલ્ટા ગ્રૂપના લાલજીભાઈ સવસાણીએ રૂ.૫૦ લાખ, સાંસદ મોહનભાઇ કુંડારીયાએ રૂ.૨૫ લાખ, વિનટેલ ગ્રૂપના કે.જી.કુંડારીયાએ ૨૫ લાખ, રંગોલી લેમીનેટના ડી.કે.પટેલે રૂ.૨૫ લાખ, નાનજીભાઈ રંગપરિયાએ રૂ.૨૫ લાખ, કરમશીભાઇ અઘારાએ રૂ.૨૫ લાખ અને જેટ ગ્રુપના જેરામભાઈ વાંસજાળીયાએ રૂ.૫૦ લાખનું આનુદાન કરી વિશ્વ ઉમિયાધામના નિર્માણ માટે સહયોગ આપ્યો હતો. ગઈ કાલના સમારોહમાં માત્ર 2 કલાકમાં મોરબીના પાટીદાર અગ્રણીઓએ દાનની સરવાણી વહાવતા 51 કરોડ જેટલી માતબર રકમ એકત્ર થઇ ગઈ હતી.

- text