મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે મચ્છુ નદીને સ્વચ્છ બનાવવા બીડું ઝડપ્યું

- text


આવતીકાલે રાજ્યના સ્થાપના દિનથી ઐતિહાસિક મચ્છુનદીના શુદ્ધિકરણ કાર્યનો ઝુંબેશ રૂપી શુભારંભ : લોકમાતા મચ્છુ નદીના શુદ્ધિકરણમાં સહભાગી બનવા નગરજનોને આહવાન

મોરબી: મોરબીની ઐતિહાસિક મચ્છુ નદીનું શુદ્ધિકરણ કરી સ્વચ્છ બનાવવાનું બીડું મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે ઉઠવ્યું છે. રાજ્ય સરકારના સુઝલામ – સુફલામ અભિયાન અંતર્ગત મોરબી પાલિકા સાથે યંગ ઇન્ડિયા ગ્રુપે લોકમાતા મચ્છુ નદીને શુદ્ધ બનાવવા લોકોના સહયોગની અપેક્ષા સાથે શ્રમદાન અને બુદ્ધિજીવીઓની મદદથી મચ્છુ નદી કાયમી સ્વચ્છ રહે તેવો પ્રકલ્પ હાથ ધર્યો છે.

મચ્છુકાંઠો અને મોરબી વચ્ચે અતૂટ નાતો છે, સઈ, સુથાર, ભરવાડ, આહીર અને રબારી સહિતની અનેક જ્ઞાતિઓ આજે પણ મચ્છુનદીના ( મચ્છોયા ) નામે ઓળખાય છે અને આજે પણ માં મચ્છો સાક્ષાત બિરાજમાન છે, ત્યારે માનવીય ભૂલોને કારણે લોકમાતા આજે પ્રદુષિત બની છે….

ઐતિહાસિક મચ્છુ નદી સાથે જોડાયેલા ઇતિહાસને ભવ્ય રીતે સાચવવાની અને જાળવવાની મારી, તમારી, આપણી સૌની જવાબદારી છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ વતી દેવેન રબારીએ મોરબીના નગરજનોને અપીલ કરી છે કે જળ એજ જીવનના મંત્રને સાર્થક કરવા મચ્છુ નદીને બચાવવા શુદ્ધિકરણ અત્યંત જરૂરી છે.

- text

રાજ્યના સ્થાપના દિન ૧ લી મે થી મોરબીના નગરજનો તેની અનુકૂળતા મુજબ એક કલાકથી લઈ એક દિવસ કે પાંચ દિવસનો શ્રમ મચ્છુ નદીને શુદ્ધ કરવા માટે ફાળવે તેવી હદયપૂર્વક અપીલ કરવામા આવી છે.

દાયકાઓથી વહેતી માં મચ્છુના રમણીય અને રૌદ્ર રૂપનું મોરબી સાક્ષી બન્યું છે, ત્યારે મોરબી શહેર જ નહીં બલ્કે સમગ્ર મોરબી જિલ્લાની જીવાદોરી સમાન મચ્છુ નદીને સ્વચ્છ, સુંદર બનવવા આ ભગીરથ કાર્યમાં આપ શહેરીજનો પોતાના વિચારો, મંતવ્યો, આયોજન, અને શ્રમ આપી યંગ ઇન્ડિયા ગ્રુપની આ ઝુંબેશ રૂપી કામગીરીમાં જોડાવ તે માટે આહવાન કરવામાં આવ્યું છે.

નામ નોંધવા યંગ ઇન્ડિયા ગ્રુપ ઓફિસ, ૐ શોપિંગ સેન્ટર શોપ ન .૨૧ બી ,બીજા માળે ચિન્તામણી સ્ટોરે ની બાજુમાં,રવાપર રોડ મોરબી તેમજ મોબાઇલ ઝોન , એ વેન પાન ની બાજુમાં સનાળા રોડ મોરબી મો.નં ૯૮૨૪૫ ૮૭૮૭૫ ઉપર સંપર્ક કરવા દેવેન રબારીની યાદીમાં જણાવાયું છે.

- text