મોરબી વિટરીફાઇડ સિરામિક એસોસિએશનના પ્રમુખ બદલાયા

- text


૩૧ માર્ચે મુદત પૂર્ણ થતાં કે.જી.કુંડારીયાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું : સર્વ સમતિથી નવા પ્રમુખ તરીકે પદે મુકેશભાઈ ઉઘરેજાની વરણી

મોરબી : આંતરાષ્ટ્રીય ક્ષેત્રે નામના ધરાવતા મોરબી સિરામિક એસોસિએશનમાં આજે સમરસતાના માહોલ વચ્ચે વિટરીફાઇડ ડિવિઝનના નવા પ્રમુખ તરીકે મુકેશભાઈ ઉઘરેજાની નિમણુંક થઈ છે, પ્રમુખ તરીકે ૩૧ માર્ચે મુદત પૂર્ણ થતી હોય અગાઉ કરેલી જાહેરાત મુજબ કે.જી.કુંડારીયાએ પ્રમુખ તરીકે રાજીનામુ ધરી વિટરીફાઇડ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ તરીકે સઘળી જવાબદારી નવા પ્રમુખ અને નવી કારોબારીને સુપ્રત કરી છે.

પ્રતિષ્ઠા ભર્યા મોરબી સિરામિક એસોસિએશનના ઇતિહાસમાં આજે કોઈ પણ જાતની ચૂંટણી પ્રક્રિયા વગર જ સર્વ સંમતિથી વિટરીફાઇડ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદે કે.જી.કુંડારીયાના અનુગામી તરીકે મુકેશભાઈ ઉઘરેજાની નિમણુંક થઈ છે, નવા પ્રમુખની વરણીને લઈ કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું કે મેં દોઢ માસ અગાઉ જ મુદત પૂર્ણ થયે નિવૃત્તિની જાહેરાત કરી હતી જે અંતર્ગત ૩૧ માર્ચના રોજ રાજીનામુ આપ્યું હતું અને વિટરીફાઇડ એસોસિએશનના તમામ સભ્યોની સંમતિથી ચૂંટણી યોજવાનો બદલે સમરસ પ્રમુખ તરીકે મુકેશભાઈ ઉઘરેજાની વરણી કરવામાં આવી છે.

- text

વધુમાં પ્રમુખ તરીકે નિવૃત થયેલા કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું કે વિટરીફાઇડ ટાઇલ્સની જેમ જ વોલ ટાઇલ્સ પાંખ માં પણ નિલેશભાઈ જેતપરિયા સ્વૈચ્છિક રીતે પદભાર છોડી રહ્યા છે અને નિયમ મુજબ ૩૧ માર્ચના રોજ મુદત પૂર્ણ થઈ છે અને આગામી ૩૦ દિવસમાં જ નવા પ્રમુખની વરણી કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે લાંબો સમય સુધી મોરબી સિરામિક એસોસિએશનનો પદભાર સાંભળનાર કે.જી.કુંડરિયાની આગેવાનીમાં મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝે સફળતાનાં અનેક શિખરો સર કરી ઉતરોતર પ્રગતિ કરવાની સાથે દેશમાં જ નહીં બલકે વિદેશમાં પણ ખૂબ જ નામના હાંસલ કરી છે અને વાયબ્રન્ટ સિરામિકના વૈશ્વિક સ્તરના આયોજન થકી મોરબીના સિરામિક ઉધોગે આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે.

- text