મોરબીમાં કાલથી ૧૦૮ કુંડી મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ: આજે ભવ્ય કળશ યાત્રા યોજાઈ

- text


યજ્ઞનો લાભ લેવા દેશ વિદેશથી ભાવિકો પહોંચ્યા: ૨૦ દિવસ ચાલનારા યજ્ઞમાં દરરોજ ૫ લાખ મહામૃત્યુંજયના પાઠ કરાશે

મોરબી: મોરબીના આંગણે પ્રથમ વખત આયોજિત ૧૦૮ કુંડી મહારુદ્ર યજ્ઞનો આવતી કાલે રામનવમીથી પ્રારંભ થનાર છે.૨૦ દિવસ ચાલનારા આ મહારુદ્ર યજ્ઞમાં દરરોજ પાંચ લાખ મહામૃત્યુંજયના જાપ કરવામાં આવશે. આજરોજ મહારૂદ્ર યજ્ઞના પ્રારંભ પૂર્વે ભવ્ય કળશયાત્રા નિકળી હતી. જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલા રામોજી ફાર્મ ખાતે માનવ કલ્યાણ અને ઋષિ પરંપરા પુનઃજીવિત કરવાના ઉદ્દેશ સાથે આવતીકાલથી ૧૦૮ કુંડી મહારુદ્ર યજ્ઞ યોજાવા જઇ રહ્યો છે. આ મહારુદ્ર યજ્ઞ ૨૦ દિવસ ચાલવાનો છે જેને લઈને આજે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ જોડાઈને ધન્યતાની લાગણી અનુભવી હતી.ઉપરાંત યજ્ઞનો લાભ લેવા માટે દેશ વિદેશ થી ભાવિકો અહીં પધાર્યા છે.

યજ્ઞની વિશેષતા વિશે માહિતી આપતા હરિદ્વારની ગૌરક્ષા શાળા સાથે સંકળાયેલા અમૃતાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા મોરબીમાં જ નહીં સમગ્ર ગુજરાતમાં કદાચ પ્રથમ વખત આ મહારુદ્રયજ્ઞ નું આયોજન કરાયું છે. હરિદ્વાર સંસ્થાના લાભાર્થે તથા ખાસ કરીને દરેકની મનોકામનાઓ પૂર્ણ કરવા અને ઋષિ યજ્ઞ પરંપરાને જીવંત રાખવી એ યજ્ઞ નો મુખ્ય ઉદ્દેશ છે.યજ્ઞ માટે ૨૩ હજાર સ્ક્વેર ફૂટની જગ્યામાં યજ્ઞશાળા બનાવવામાં આવી છે

- text

હિમાલય ભાગવત વિદ્યાપીઠ સોલા તથા સૌરાષ્ટ્રમાંથી નિર્વ્યસની અને પૂર્ણ વૈદિક હોય તેવા ૧૩૦ ભૂદેવો દ્વારા આ વિધિ કરાશે. યજ્ઞમાં ૨૨૦૦ કિલો શુદ્ધ ઘી, ૫૦૦૦ કિલો તલ, ૧૦૦ કિલો જવ ,૧૨૫૦ કિલો ચોખા, ૨૫૦ કિલો ડ્રાયફુટ , ૧૦૦ કિલો કપૂર અને ૨૫ ટન લાકડાનો હવન કરાશે. વીસ દિવસ સુધી ચાલનારા આ યજ્ઞમાં કુલ ૧કરોડ મહામૃત્યુંજયના જાપ કરાશે. અમૃતાનંદજી એ વધુમાં ઉમેર્યુ હતુ કે ઋષિ યજ્ઞ પરંપરા મુજબ શુદ્ધ ભાવથી યજ્ઞ કરાય તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દેવો પ્રસન્ન થાય છે

યજ્ઞ દરમિયાન ત્રણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાકાર લંકેશ બાપુ ની શિવકથા તા. ૨૫ થી ૩૧ ઉપરાંત નિખિલ જોષી ની ભાગવત કથા તા. ૧ થી ૭ તેમજ પ્રથમ વખત અવધ કિશોરદાસ ની હનુમાન કથા તા.૯ થી ૧૩ સુધી યોજાશે. યજ્ઞનો સમય સવારના ૭ થી બપોરના ૨ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.

આ યજ્ઞમાં ઉદ્યોગપતિઓનો સહિયારો સાંપડી રહ્યો છે ખાસ કરીને યજ્ઞશાળા વૈદિક પરંપરા પ્રમાણે ગાયના છાણથી લીપણ થી બનાવવામાં આવી છે ત્યારે ઉદ્યોગપતિઓના પરિવારના મહિલા સદસ્યો દ્વારા આ યજ્ઞમાં ગાયના છાણનું લીંપણ કરવામાં આવ્યુ છે. કુલ ૨૦ ટન ગાયના છાણ નાં લીપણ થી આ યજ્ઞ શાળા તૈયાર થઈ છે.

- text