નવી જેટી બનાવી નવલખી બંદરને વિકસાવવા અને નવલખી હાઈવેને તાકીદે ફોરટ્રેક બનાવવા વડાપ્રધાનને રજુઆત

- text


મોરબી : મોરબી જિલ્લાના એક માત્ર કુદરતી બંદર એવા નવલખી બંદર ઉપર વધારાની એક જેટી બનાવી મોરબી જિલ્લાના ઉદ્યોગોને વેગવંતા બનાવવા વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરી મોરબીના વિહિપ અગ્રણીએ અકસ્માત ઝોન બની ગયેલ નવલખી હાઈવેની ફોરટ્રેકમાં રૂપાંતરિત કરવા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ માંગ ઉઠાવી છે.

વિશ્વ હિન્દુ પરિષદ મોરબીના અગ્રણી હસમુખભાઈ ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લેખિત રજુઆત કરી મોરબી જિલ્લાના બારમાસી બંદર નવલખીનો વિકાસ કરવા માંગ ઉઠાવી છે, રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબીના સીરામીક, સેન્ટરીવેર્સ, ઘડિયાળ, નળિયાં સહિતના ઉદ્યોગો દ્વારા મોટા પાયે એક્સપોર્ટ કરવામાં આવતું હોય ત્યારે જો નવલખી બંદરનો વિકાસ કરી વધારાની એક બીજી જેટી બનાવવામાં આવે તો મોરબીના ઉદ્યોગો કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ રળી આપે તેમ છે.

- text

વધુમાં હસમુખભાઈએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈને રજુઆત કરી જણાવ્યું હતું કે હાલમાં ભારે વાહનોની વ્યાપક અવર – જવરને કારણે નવલખી – મોરબી હાઇવે અકસ્માત ઝોન બની ગયો છે અને રોજ – બરોજ અકસ્માતોની હારમાળા સર્જાતી રહે છે પરિણામે અનેક લોકો મોતને ભેટ્યા છે એ સંજીગોમાં તાકીદે નવલખી – મોરબી હાઈવેની ફોરટ્રેક બનાવવા માંગણી ઉઠાવી હતી.

ઉપરાંત મોરબી – નવલખી હાઇવે પર વવાણીયા ખાતે શ્રીમદ રાજચંદ્ર મંદિર, રામબાઈ મંદિર તેમજ જેતપર નજીક ત્રી મંદિર આવેલ હોય દેશ – વિદેશના પર્યટકોની રોજિંદી અવર જવરને ધ્યાને લઇ આ રોડને ફોરટ્રેક કરવામાં આવે તો સુગમતા રહે તેમ હોવાનું રજુઆતમાં જણાવ્યું છે.

- text