હળવદમાં બાળલગ્ન અટકાવતું સમાજ સુરક્ષા વિભાગ

- text


છેલ્લા એક અઠવાડિયામાં મોરબી જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગે આઠ બાલ લગ્ન અટકાવ્યા

મોરબી : હળવદમાં આજે સમાજ સુરક્ષા વિભાગે ત્રાટકી એક, બે નહીં પરંતુ ત્રણ- ત્રણ બાળ લગ્ન થતા અટકાવવામાં સફળતા મેળવી હતી, જો કે મોરબી જિલ્લામાં બાળલગ્નની જાણે મોસમ ખીલી હોય તેમ છેલ્લા એક અઠવાડિયામાં કુલ મળી આઠ બાળલગ્ન અટકાવવામાં આવ્યા છે.

જાણવા મળ્યા મુજબ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના અધિકારી કનકસિંહ ઝાલાને બાતમી મળી હતી કે હળવદના જીઆઇડીસી પાછળ આવેલ ઝૂંપડપટી વિસ્તારમાં રહેતા વિનુજી પ્રધાનજી ઠાકોરના પુત્ર અને પુત્રીની ઉંમર પુખ્ત ન હોવા છતાં લગ્ન યોજ્યા છે અને સમાપક્ષે પણ વરની ઉંમર પુખ્ત ન હોવાની સચોટ બાતમી મળતાં સમાજ સુરક્ષા વિભાગનો કાફલો હળવદ ત્રાટક્યો હતો અને વરકન્યાની ઉંમરના દસ્તાવેજી પુરાવા ચકાસતા ઉંમર પુરી ન હોવાથી બે દિવસ બાદ લગ્ન ન યોજાય તે માટે વરને સ્પેશિયલ હોમ ફોર બોયઝ અને કન્યાને સ્પે.હોમ ફોર ગર્લ્સમાં મોકલી અપાયા હતા.

- text

બીજી તરફ વિનુજી ઠાકોરે પોતાના પુત્ર – પુત્રીના લગ્ન સામા – સામાં રાખ્યા હોય વેવાઈ પક્ષ લીમડીના સંતાનોની ઉંમર તપાસતા તેમના પુત્રની ઉંમર ઓછી હોવાનું ખુલતા સમાજ સુરક્ષા વિભાગે લીમડીના વરરાજાને પણ સ્પે.હોમ ફોર બોયઝમાં મોકલી આપી બાલ લગ્ન અટકાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજગોર બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્નમાં ત્રણ બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા એ ઉપરાંત બે દિવસ પૂર્વે ભરવાડ સમાજના સમુહલગ્નના આયોજન પહેલા ત્રાજપર અને લખધીરપુર ગામમાં યોજાનાર બે બાળ લગ્નના કિસ્સામાં સમાજ સુરક્ષા વિભાગે લગ્ન અટકાવ્યા હતા.

બાળલગ્ન અટકાવી અપરાધ થતો રોકવામાં મોરબી સમાજ સુરક્ષા વિભાગના કનકસિંહ ઝાલા, સુનિલભાઈ રાઠોડ, વિપુલભાઈ શેરસિયા, અને રંજનબેન મકવાણા સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.

- text