વિકલાંગ હોવા છતાં ભલભલા બેટ્સમેનોની વિકેટ ઉડાવી દેતા મોરબીના પંકજભાઈ

- text


છ માસની ઉંમરે જ પોલિયોનો શિકાર બનાયા છતાં પંકજભાઈ પ્રજાપતિ હિંમત ન હાર્યા

મોરબી : સામાન્ય રીતે સાજી સારી વ્યક્તિ પણ જે કામ નથી કરી શકતી તેવા કામ વિકલાંગ વ્યક્તિ કરે ત્યારે ચોક્કસ પણે અજુગતું લાગે છે, મક્કમ મનોબળ અને દ્રઢ નિર્ધારને કારણે મોરબીના પંકજભાઈ પ્રજાપતિએ પણ કંઈક આવુજ કરી બતાવ્યું છે.માત્ર છ મહિનાની ઉંમરે પોલિયો થવાથી વિકલાંગતા આવી આમ છતાં હિંમત ન હાર્યા અને ક્રિકેટના અદમ્ય શોખથી આજે ભલભલા બેટસમેન તેમની બોલિંગ સામે ટકી શકતા નથી.

મોરબીના ભાડિયાદ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા પંકજભાઈ ચકુભાઈ પ્રજાપતિ દિવ્યાંગ લોકો માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે. નાની ઉંમરથી જ લેથકામ (મજૂરીકામ) કરી ઈમાનદારી પૂર્વક જીવતા પંકજભાઈ શરીરે ખોટ હોવા છતાં હિંમત હાર્યા નથી અને સામાન્ય માણસ કામ કરે તેનાથી પણ બમણા ઉત્સાહથી નિયમિત રીતે કારખાનામાં કામ કરે છે.

- text

માત્ર છ મહિનાની ઉંમરે તાવ આવ્યા બાદ પોલિયોનો શિકાર બનતા પંકજભાઈએ એક પગ ગુમાંવ્યો હતો પણ હિંમત જરા પણ ન ગુમાવી. બાળપણમાં ક્રિકેટના શોખને કારણે મિત્રો સાથે ક્રિકેટ રમતા અને બોલિંગમાં એવી તો ચપળતા મેળવી કે ભલભલા બેટ્સમેનોને વિકેટ ડૂલ કરી દે અને તેથી જ તેમને અનેક ટ્રોફીઓ મેળવી છે.આજે પણ પંકજભાઈ પ્રજાપતિના ઘરમાં અનેક ટ્રોફીઓ જોવા મળે છે.

પંકજભાઈના પત્ની પણ ૬૦ ટકા વિકલાંગતા ધરાવે છે જોકે તેમ છતાં તેઓ કોઈની પણ મદદ મેળવ્યા વગર આસાનીથી ઘરના દરેક કામ કરે છે અને પંકજભાઈએ આજે પણ પોતાનો ક્રિકેટ શોખ જાળવી રાખી નિયમિત ક્રિકેટ રમવા જાય છે અને ત્યાર બાદ જ કારખાને કામ કરવા જાય છે, આમ મનના મજબૂત પંકજભાઈ અનેક દિવ્યાંગો માટે પ્રેરણાનું ઝરણું નહિ પણ સાગર બન્યા છે.

- text