બન્ને પગે પોલિયોનો શિકાર બનેલા મોરબીના દિનેશભાઇ ટૂંન્ડીયાએ વિકલાંગતાને હરાવી

- text


બન્ને પગે વિકલાંગ હોવા છતાં હિંમત ન હાર્યા : પરિવારના એક બે નહીં ૧૧ સભ્યોના ભરણ-પોષણની જવાબદારી ઉઠાવી રહ્યા છે

મોરબી : આજે વિકલાંગ દિવસે મોરબીમાં રહેતા અને બન્ને પગે પોલિયોનો શિકાર બનેલા દિનેશભાઇ ટૂંન્ડીયા દિવ્યાંગો માટે ખૂબ જ મોટી પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યા છે, મોરબીના નજરબાગ વિસ્તારમાં એસટીડી પીસીઓ અને બાદમાં પાનની દુકાન શરૂ કરનાર દીનેશભાઇ આજે ભલભલા સાજા સારા માણસની હિંમતને પાછળ પાડી દે તેવા મનોબળ સાથે માત્ર પોતાનું જ નહીં પરંતુ કુટુંબના ૧૧ સભ્યોના ભરણ પોષણની જવાબદારી બખૂબી નિભાવી રહ્યા છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રોડ પર પાનની દુકાન ધરાવતા અને ગાંધી સોસાયટીમાં રહેતા ૪૨ વર્ષના દિનેશભાઇ ટૂંન્ડીયાના જન્મના બે વર્ષ પછી કુદરતે એવી કસોટી કરી કે તેમને જીવનભર ડગલે ને પગલે મુસીબતોનો અને અણધારી આફતોનો સામનો કરવો પડે છે.

દીનેશભાઈનો જન્મ થયો ત્યારે એક સામાન્ય બાળક જેવા જ નોર્મલ હતા પરંતુ બે વર્ષ પછી તાવમાં પટકાયા અને પોલિયોનો શિકાર બન્યા, તેઓ બે વર્ષના હતા ત્યારથી જ પોલિયોએ બન્ને પગ છીનવી લીધા તેઓ ઘોડીથી પણ ચાલી શકતા નથી, કોઈ પણ જગ્યાએ બેઠા-બેઠા જ જવું પડે છે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેઓએ ક્યારેય હતાશાને હાવી થવા દીધી નથી તેઓ પોતાની શારીરીક વિકલંગતાને સમજતા હતા કે તેમને શારીરિક ક્રિયાઓ કરવામાં પણ તકલીફ પડે છે ત્યારે જીવનના મોરચે કેમ સફળ થશે ?

- text

પરંતુ આમ છતાં શારીરિક વિકલાંગતા અને આર્થિક પારિવારિક સ્થિતિ વચ્ચે તેમને શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું.ધો.૧ થી ૧૦ સુધી અપંગ માનવ મંડળ અમદાવાદ ખાતે શિક્ષણ મેળવી બાદમાં મોરબી ખાતે ગુજરાતીમાં બી.એ.થયા અને સરકારી નોકરીની આશા રાખ્યા વગર માતા-પિતાએ નબળી પરિસ્થિતિમાં પણ દુકાન લઈ દેતા શરૂઆતમાં એસટીડી પીસીઓ શરૂ કર્યો પરંતુ કરમની કઠણાઈ કે મોબાઈલ આવતા એસટીડી પીસીઓના ધંધા ભાંગી પડ્યા. પરંતુ કુદરત અને નસીબ સામે બાથ ભીડી રહેલા દિનેશભાઇ ટૂંન્ડીયાએ હિંમત હાર્યા વગર આ દુકાન માં પાન,બીડી, મસાલા, વગેરે ચીજ વસ્તુની દુકાન શરૂ કરી ફરી પાછા આર્થિક સ્થિતિ સુધારવા માટે મેહનતમાં લાગી ગયા અને આજે અથાગ મહેનતના પરિણામ સ્વરૂપ તેઓ કુટુંબના ૧૧ સભ્યોની ભરણ પોષણની જવાબદારી વહન કરી રહ્યા છે.

દિનેશભાઇ ટૂંન્ડીયા પોતાની વિકલાંગતામાં પણ ક્યારેય મદદ માટે કોઈ પાસે લાંબો હાથ કરતા નથી. આજે થ્રિ વ્હીલર સ્કૂટર લઈને ઘરેથી દુકાન અને દુકાનથી ઘેર આવન જાવન કરી કુદરત સામે બાથ ભીડી રહ્યા છે. દિનેશભાઇ કહે છે ભલે હું શારીરીક રીતે દુર્બળ રહ્યો પરંતુ કાયમ વિશ્વાસ અને આર્થીક રીતે પગભર થવાના જોશના કારણે જીવનના દરેક મોરચે સફળ થયો છું. અંતમાં દીનેશભાઈએ ઉમેર્યું હતું કે કોઈપણ વિકલાંગોએ નિરાશ થવું નહિ પરિશ્રમ કરતા રહો સફળતા આપણી રાહ જોઈને જ ઉભી છે તેવો સંદેશો તેમણે અંતમાં આપ્યો હતો.

- text