મોરબી : ૩૫ હજારની પઠાણી ઉઘરાણીમાં ભડીયાદના યુવાનનું અગ્નિસ્નાન

મોરબીના ભડીયાદમાં રહેતાં વણકર યુવાનને પોતે અગાઉ જ્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો એ શેઠે પૈસાની પઠાણી ઉઘરાણી કરતા યુવાને અગ્નિસ્નાન કરી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મહેશ દેવજીભાઇ ભોયા ઉ.૩૦ નામના યુવાને સાંજે સાડા આઠેક વાગ્યે અગ્નિસ્નાન કરી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. તે છૂટક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે, અગાઉ પોતે મોરબીમાં રાજુભાઇ પટેલના ટોરસ ટ્રકનું ડ્રાઇવીંગ કરતો હતો. તે વખતે તેની પાસેથી ઉપાડ પેટે રકમ લીધી હતી. બે મહિના પહેલા તેનું કામ છોડી દીધુ છે અને પોતે અલગથી કામ કરે છે. અગાઉ રાજૂભાઇ પાસેથી લીધેલા નાણા પૈકીના ૨૫ હજાર હજુ ચુકવવાના બાકી છે. પણ રાજુભાઇ ૩૫ હજારની ઉઘરાણીના વારંવાર ફોન કરી હેરાન કરે છે. ગઇકાલે સાંજે તો આઠ-દસ માણસોને ઘરે મોકલ્યા હતાં. આ શખ્સોએ ધમકી દેતાં પોતે ગભરાઇ જતાં આ પગલું ભરી લીધુ હતું. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.