વાંકાનેર : કણકોટ ગામની સીમમાં વાછરડા સહિત ૭ ગાયોના ભેદી મોત

- text


વાંકાનેર તાલુકામાં શંકાસ્પદ ગૌવંશ હત્યાનો બે માસમાં ત્રીજો બનાવ : જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી : પ્રાથમિક તપાસ મુજબ ગાયોનું મૃત્યુ ઝેરી પદાર્થ ખાવાને કારણે થયુ

વાંકાનેર તાલુકાના કણકોટ ગામના સીમ વિસ્તારમાં આજે સાંજે એક વાછરડા અને છ ગાયો સહિત સાત ગૌવંશો મૃત હાલતમાં મળી આવ્યા છે. આ અગાઉ પંથકના કેરાળા ગામમાંથી બે વખત ભેદી રીતે ગૌવંશ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. જોકે આ બનાવની જાણ થતા વાંકાનેર ગૌ રક્ષક દળ અને તેની યુવા ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
વાંકાનેરના કણકોટ ગામની સીમમાં ૬ ગાયો અને ૧ વાછરડા મૃત હાલતમાં પડ્યા હોવાની જાણ વાંકાનેર ગૌ રક્ષક દળની યુવા ટીમને જાણ થતા તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં સિમ વિસ્તાર તરફથી ગામ તરફ આવવાના રસ્તામાં થોડા થોડા અંતરે એક વાછરડા સહીત ૭ ગાયોના ભેદી હાલતમાં મૃતદેહ જોવા મળેલા. જે બાબતે આ યુવા ટીમે તુરંત વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા તે વિસ્તારના બીટ જમાદાર અને રાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
તાલુકા પોલીસે પણ તુરંત આ ગૌવંશોના ભેદી મોત બાબતે વેટરનરી ડોક્ટરને જાણ કરતા ડોક્ટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ડોક્ટરના પ્રાથમિક તપાસના તારણ મુજબ ગાયોનું મૃત્યુ કોઈ ઝેરી પદાર્થ ખાવાને કારણે થયા હોવાનું જણાવ્યું હતું.
પંથકમાં છેલ્લા બે માસના સમયમાં ભેદી રીતે ગૌવંશ મરવાનો આ ત્રીજો બનાવ બહાર આવતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રવર્તેલી છે. તાલુકા પોલીસે હાલમાં આ બાબતે નોંધ કરી તેના મૂળ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.⁠⁠⁠⁠

- text

- text