મોરબી : પ્રજ્ઞાવર્ગનાં છાત્રો પુસ્તકથી વંચિત

- text


પુસ્તકો વિના વાંચે અને ભણે ગુજરાત ક્યાંથી? શાળામાં સરકાર દ્વારા પુસ્તકો ન પહોંચાડતા શિક્ષકો અને વાલીઓમાં રોષ

મોરબી : ગુજરાત સરકારનું પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા માટે મહત્વનુ સૂત્ર – ભણે ગુજરાત વાંચે ગુજરાત છે પરંતુ વાસ્તવમાં ગુજરાત સરકારના સંલગ્ન વિભાગ દ્વારા આ સૂત્રનું યોગ્ય અમલીકરણ થતું ન હોવાથી આ સૂત્ર હાસીયામાં ધકેલાય ગયું છે. મોરબી સહિતના ગુજરાતમાં પ્રજ્ઞા વર્ગના છાત્રોને હજી સુધી પુસ્તકથી વંચિત રખાયા છે. તેથી વાલીઓ અને શિક્ષકોમાં જબરો કચવાટ ફેલાયો છે. હજી સુધી પુસ્તકો ન મળતા વિધાર્થીઓ માટે શિક્ષણ કાર્ય કરવું મુશ્કેલ બન્યું છે.
મોરબી જિલ્લા સહિત રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યા છે આ પ્રવેશોત્સવના કાર્યક્રમ વચ્ચે સરકારના સંલગ્ન વિભાગની બેદરકારી આંખે ઉડીને વળગી છે. પ્રજ્ઞાવર્ગના વિધાર્થીઓને દર વર્ષે સરકાર તરફથી સ્વઅધ્યપનપોથી સહિતની જરૂરી સાહિત્ય આપવામાં આવે છે. પ્રજ્ઞા વર્ગમાં પાઠયપુસ્તકો હોતા નથી જેથી વિદ્યાર્થીઓ સ્વઅધ્યયનપોથીની મદદથી શિક્ષણ કાર્ય કરતાં હોય છે અને વિધાર્થીઓને કાર્ડની મદદથી શિક્ષણ કાર્યની સમજણ અપાતી હોય છે. પરંતુ હજી સુધી પ્રજ્ઞા વર્ગના વિદ્યાર્થીને આ સાહિત્ય વિનામૂલ્યે આપવામાં આવ્યું નથી ત્યારે આ સાહિત્ય ક્યારે મળશે તે વિચારવું રહ્યું.
ગુજરાત સરકાર દ્વારા પ્રજ્ઞા અભિગમની સફળતાની મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યારે વાસ્તવિકતા કઇંક અલગ જોવા મળે છે. તે માટે જરૂરી સામગ્રી અને પુસ્તકો નિયમીત સમયે પૂરા પાડવામાં આવતા નથી આથી શિક્ષણ કાર્ય કેવી રીતે કરાવી શકાય? પરિણામે શિક્ષક અને વાલીઓમાં ભારે રોષ જોવા મળે છે. આવી કથળતી હાલતમાં વિદ્યાર્થીનો અભ્યાસ અટકી જાય નહીં આથી વાલીઓ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ અપાવા લાગ્યા છે. આમ પણ સરકારી શાળામાં સંખ્યા ઘટતી જાય છે ત્યારે પ્રજ્ઞા વર્ગમાં સાહિત્યની અપૂરતી વર્તાતી જોવા મળે છે પરિણામે તે વર્ગમાં પણ સંખ્યા ઘટતા સરકારી શિક્ષણને વધુ ફટકો લાગશે આથી જવાબદાર ઉચ્ચ અધિકારીઓએ આ બાબતની ગંભીરતા ધ્યાનમાં લઈ તેના ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.

- text

- text