મોરબી : ખેડૂતોએ પાણી માટે દેખાડયું પાણી : ૫૦થી વધુ ટ્રેકટરો સાથે વિશાળ રેલી

- text


મોરબી-માળિયાના ૪૦ ગામના ખેડૂતો એ ઉપાડ્યું આંદોલનનું શસ્ત્ર : વિશાળ રેલી કાઢી આપ્યું કલેકટરને આવેદન : ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.ના નેજા હેઠળ શરુ કર્યું પાણી માટે આંદોલન : વર્ષોથી પાણી માટે તરસતા ૪૦ ગામના ખેડૂતો હવે પાણી માટે લડી લેવાના મૂળમાં : ૧૫૦૦થી વધુ ખેડૂતો ૫૦થી વધુ ટ્રેકટર અને ખેતીના સાધનો સાથે ધોમધખતા તાપમાં પહોચ્યા કલેકટર કચેરીએ : પાણી ન મળે તો આંદોલન ઉગ્ર બને એવી શક્યતા

મોરબી : મોરબી માળિયાના સિંચાઈના પાણીથી વંચિત એવા ૪૦ ગામના ખેડૂતોએ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસીએસનના સૌરાષ્ટ્રના સેક્રેટરી કે ડી બાવરવા, માળિયાના આગેવાન કાસમ સુમરા સહિતના આગેવાનોની આગેવાનીમાં કેનાલ લંબાવીને ગામને પાણી આપવાની માંગ સાથે માળિયાની પીપળીયા ચોકડીથી કલેકટર કચેરી સુધી ની ૩૦ કિમી જેટલી લાંબી ટ્રેકટર રેલી કાઢી ધોમધખતા તાપમાં કલેકટરને આવેદન આપી પાણી આપવાની માંગ કરી હતી. અંદાજીત ૧૫૦૦થી વધુ ખેડૂતો આ રેલીમાં જોડાયા હતા. સૌની યોજના અંતર્ગત જ્યારે દૂર સુધી પાણી આપવામાં સરકાર ઉત્સાહિત છે ત્યારે મચ્છુ ૨ ડેમમાંથી અત્યાર સુધી માત્ર વરસાદ પર આધારિત એવા આ ગામોના ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે એવી માંગ બુલંદ બનાવી લડી લેવા નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
સૌની યોજના અંતર્ગત હાલ મોરબીના ૧૪ જેટલા ગામોને પિયત માટે મચ્છુ ૨ સિંચાઈ યોજના દ્વારા પાણી આપવામાં આવે છે પણ મોરબી અને માળિયાના ૪૦ જેટલા ગામો એવા છે જ્યાં આજ સુધી ખેતી માત્ર વરસાદ પર આધારિત છે એમાં પણ માળિયા તાલુકો અત્યંત પછાત છે અને રોજગારી માટે માત્ર ખેતી જ મુખ્ય વ્યવસાય છે ત્યારે આવા ગામ ના ખેડૂતો અત્યંત ખરાબ સ્થિતમાં જીવી રહ્યા છે ગામડા ખાલી થઇ રહ્યા છે. આ તૂટતા ગામડાને બચાવવા માટે સરકાર દ્વારા આ ગામોને પિયત માટે કેનાલ લંબાવીને પાણી આપે એવી પ્રબળ માંગ ખેડૂતો દ્વરા કરવામાં આવી છે. જ્યારે સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના અન્ય જળાશયોમાં પાણી પહોચાડામાં આવી રહ્યું છે ત્યારે આ સ્થાનિક ગામો પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ પણ ખેડૂતો કરી રહ્યા છે આજે જ્યારે રેલીમાં ખેડૂતો કલેકટર કચેરીએ આવ્યા ત્યારે તેમણે પોતાને પડી રહેલ મુશ્કેલીઓ આક્રોશ સાથે જણાવી હતી અને હવે પાણી ન મળે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખવાનો બળાપો ઠાલવ્યો હતો.
મોરબી અને માળિયા વિસ્તારના ૪૦ ગામો કે જેમણે આજ ફરી પાણી માટે આંદોલનનું હથિયાર ઉપાડવું પડ્યું છે. અગાઉ પણ રેલી કાઢીને સરકારના કાન આમળવા છતાં કોઈ પરિણામ નહિ મળતા આજે ૩૦ કિમી લાંબી ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી. આ ગામોના ખેડૂતોને હવે રાજકીય પક્ષો કે નેતાઓ પર વિશ્વાસ નથી રહ્યો વર્ષોથી આ ગામો તૂટી રહ્યા છે અને લોકો ગામ છોડી રોજગારી માટે શહેરોમાં ભાગી રહ્યા છે ગામડામાં ખેતી સિવાય કોઈ રોજગારી નથી અને ખેતી પણ માત્ર વરસાદ આધારિત છે ત્યારે આવા ગામડાઓના ખેડૂતોની સ્થિતિ ખરાબ છે અને તેમને સિંચાઈ માટે પાણી મળે તો આ ગામડાઓ તૂટતા બચી શકે એમ છે અને કેનાલ લંબાવીને ખેડૂતોની આ વ્યાજબી માગણી સરકાર પૂરી પણ કરી શકે એમ છે પણ મતોના રાજકારણમાં આ ગરીબ ખેડૂતોની માંગ પ્રત્યે ગંભીરતા દેખાડાશે કે નજર અંદાજ કરવામાં આવશે એ જોવું રહ્યું ⁠.

- text