મોરબી : સત્તાનો દુરઉપયોગ કરવા મામલે જાંબુડિયા ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા

- text


જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વરના મેળાનું મંજૂરી વગર આયોજન અને મેળાની આવકમાં ગેરરીતિ થયાનું ખુલતાં ડીડીઓએ કરી કાર્યવાહી

મોરબી : મોરબીના જાંબુડિયા ગ્રામ પંચાયતના સરપંચને હોદા પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. જેમાં જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર મંદિરે યોજયેલો મેળો મંજૂરી વગર કરાયો હતો અને મેળાની આવકમાં ગેરરીતિ થયાનું તપાસના અંતે ખુલતા ડીડીઓએ જાંબુડિયા ગામના સરપંચને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે.

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ખોડાભાઈ જગાભાઈ પાંચિયાએ ગત તા.31 જાન્યુઆરી 2018ના રોજ ટીડીઓ અને ડીડીઓને રજુઆત કરીને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર મંદિરે મહાશિવરાત્રીના મેળાની થયેલી આવકમાં સરકારી નાણાની ઉચાપત થઈ હોવાના આક્ષેપ સાથે આ બાબતની તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી. બાદમાં ટીડીઓએ સરકારી નાણાની ઉચાપત મામલે સઘન તપાસ હાથ ધરી હતી.જેમાં ટીડીઓએ જાંબુડિયા ગામના સરપંચને પત્ર લખીને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા મેળાનું આયોજન થયું હતું કે કેમ ? આ મેળાને મંજૂરી મળી હતી કે કેમ તે સહિતનો મેળાના આયોજનનો વિગતવાર અહેવાલ મોકલવા તાકીદ કરી હતી. પરંતુ સરપચે પ્રત્યુતર આપ્યો ન હતો. બાદમાં જાંબુડિયા ગામના ઉપસરપંચે મેળાની પરવાનગી લીધી હોવાનો અભિપ્રાય આપ્યો હતો.

- text

આથી ટીડીઓએ મેળાની ખરેખર મંજૂરી આપી હતી કે કેમ તે અંગે તપાસ કરતા નાયબ કાર્યપાલક ઈજનેર. યાંત્રિક પેટા વિભાગે મેળાની અરજી સાથે મેળાની જગ્યાની માલિકના આધાર પુરાવા અને તાલુકા પોલીસ સ્ટેશનનો અભિપ્રાય સાથે જોડતા આ મેળાની મંજૂરી આપવામાં આવી ન હોવાનુ સામે આવ્યુ હતુ તેમજ મેળાની આવકમાં પણ સરકારી તિજોરીને મોટુ નુકસાન થયું હોવાનું ખુલ્યું હતું. આથી વગર મંજૂરીએ મેળો યોજીને ગેરરીતિ કરીને સરકારી નાણાંની ઉચાપત કર્યાનો ટીડીઓ દ્વારા ડીડીઓને રિપોર્ટ કર્યો હતો. જેથી સત્તાનો દૂરઉપયોગ કરવામાં મામલે જાંબુડિયા ગામના સરપંચ રમેશભાઈ ગેલાભાઈ પાંચિયાને સસ્પેન્ડ કરવાનો ડિડીઓએ આદેશ આપ્યો છે અને મેળો યોજીને સરકારની આવકને થયેલ નુકશાની સરકારી તિજોરીમાં જમા કરાવવાનો હુકમ પણ કરાયો છે. આમ ઉપસરપંચે વગર મંજૂરીએ શિવરાત્રિનો મેળો યોજતા તેના માઠા પરિણામ સરપંચે ભોગવવા પડ્યા છે.

- text