હળવદના વિદ્યાર્થીએ રાજય સ્તરે વગાડયો ડંકો

 

મંગળપુરના પશુપાલકના પુત્રએ દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ કક્ષાની જુડો સ્પર્ધામાં ગુજરાત રાજયનું કર્યું પ્રતિનિધિત્વ

હળવદ :હળવદની તક્ષશિલા વિદ્યાલયના ધો.૧ર કોમર્સનો વિદ્યાર્થીએ તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ કક્ષાની જુડો સ્પર્ધામાં ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં ગોલતર ગેલા લખમણભાઈ ઝળકતા મંગળપુર ગામ સહિત શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. ઉપરાંત ર૬ જાન્યુઆરીના મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે નેશનલ કક્ષાએ જુડો રમી મોરબી જિલ્લાને ગૌરવ અપાવતા કલેકટરના હસ્તે વિશિષ્ટ પ્રતિભા સન્માન પણ કરવામાં આવ્યું હતું.

હળવદ શહેરની તક્ષશિલા વિદ્યાલયના ધો.૧રના વિદ્યાર્થીએ તાજેતરમાં નડિયાદ ખાતે યોજાયેલા ગુજરાત રાજયની જુડો સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર અને તક્ષશિલા વિદ્યાલય હળવદને ગૌરવ અપાવનાર ગોલતર ગેલા લખમણભાઈનું જીવન સાદું અને સરળ છે. તાલુકાના ખોબા જેવડા નાના એવા ગામ મંગળપુરના સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થી ગેલાના માતા-પિતા પશુપાલનનો વ્યવસાય કરે છે.ઉપરાંત આર્થિક દ્દષ્ટીએ વિદ્યાર્થી ગેલાના પરિવારની પરિસ્થિતિ સાધારણ હોવા છતાં તેમના પિતા લખમણભાઈ ઘેટા – બકરા ચરાવીને પુત્રને ભણાવે છે. પિતા લખમણભાઈ પોતે ભણેલ નથી છતાં પણ પોતાના પુત્રને ભણાવવા માટે પ્રોત્સાહિત કરી સમાજમાં શિક્ષણ પ્રત્યેની એક નવી રાહ ચીંધી રહ્યા છે. તો સાથો સાથ તક્ષશિલા વિદ્યાલયનો વિદ્યાર્થી ગોલતર ગેલાએ જુડોની સ્પર્ધામાં સફળતા મેળવવા સખત મહેનત આરંભી છે.

આ સાથે પ્રોપર ડાયેટ, તનતોડ કસરત અને યોગ્ય માર્ગદર્શન મેળવીને શાળા પરિવાર સહિત મંગળપુર ગામનું નામ રોશન કર્યું છે તેમજ પુજાબેન ઓરાના માર્ગદર્શન હેઠળ ગોલતર ગેલાએ સમગ્ર ગુજરાતમાં પોતાની એક આગવી છાપ ઉભી કરી છે ત્યારે શાળાના એમ.ડી. મહેશભાઈ પટેલ, સંચાલક રમેશભાઈ કૈલા, રોહિતભાઈ સીણોજીયા તેમજ આચાર્ય અરવિંદભાઈ સોલંકી, મુકેશભાઈ અઘારાએ શુભેચ્છાઓ પાઠવી છે.