લાંચિયા લોદરીયાએ તો ભારે કરી ! પટ્ટાવાળાની પત્ની અને પુત્રીના ખાતા ખોલાવી દસ લાખ જમા કરાવ્યા

- text


મોરબીમાં એસીબીની ઝપટે ચડેલા સર્વેયર જયેન્દ્ર લોદરીયાનો ઘડો ભરાયો : જુદા-જુદા 17 બેન્ક ખાતામાં 31 લાખ મળ્યા

મોરબી : બે દિવસ પૂર્વે મોરબી સીટી સર્વે કચેરીના સરવેયરને લાંચના છટકામાં એસીબીએ આબાદ ઝડપી લીધા બાદ લોકોને લૂંટી લૂંટી પોતાનો ખજાનો ભરનાર લાંચિયા જયેન્દ્ર લોદરીયાના એક પછી એક રહસ્યો ઉપરથી એસીબી પરદા હટાવી રહ્યું છે જેમાં આ ભ્રષ્ટના એક બે નહીં પરંતુ 17 બેન્ક ખાતાઓની વિગતો પ્રકાશમાં આવી છે અને બે નંબરનો વહીવટ સાચવવા લોદરીયાએ સીટી સર્વે કચેરીના જ પટ્ટાવાળાની પત્ની અને દિકરીના બેન્ક ખાતા ખોલાવી સાડા દસ લાખની રકમ જમા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

મોરબીમાં મકાનની વેચાણ નોંધ પાડવાના બદલામાં રૂપિયા પાંચ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયેલા જયેન્દ્ર જયવંતલાલ લોદરીયાને કસ્ટડીમાં લઈ દ્વારકા એસીબી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે ત્યારે ગઈકાલે આઠ લાખથી વધુની રોકડ રકમ જપ્ત થયા બાદ અનેક બેન્ક એકાઉન્ટનો ખજાનો મળી આવ્યો હોવાનું બહાર આવ્યું છે, આ મામલે તપાસનીશ અધિકારી વી.એમ.ટાંકે જણાવ્યું હતું કે હાલમાં લોદરીયાના બેન્ક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે જેમાં જયેન્દ્ર લોદરીયાના પોતાના નામના બેન્ક એકાઉન્ટ ઉપરાંત તેમના પત્ની, સાસુ, દિકરી, દીકરા અને અન્ય સગાવ્હાલાઓના મળી સત્તર એકાઉન્ટમાં બે નંબરી નાણાંના વ્યવહારો ચકસવામાં આવી રહ્યા છે.

- text

વધુમાં તપાસનીશ અધિકારી વી.એમ.ટાંકે ઉમેર્યું હતું કે જયેન્દ્ર લોદરીયાએ સીટી સર્વે કચેરીમાં જ ફરજ બજાવતા પટ્ટાવાળાના પત્ની અને દિકરીના નામના બેન્ક એકાઉન્ટ ખોલાવી આ બેન્ક એકાઉન્ટમાં 10.5 લાખ રૂપિયા જમા કરાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે, આશ્ચર્ય તો એ વાતનું છે કે પટ્ટાવાળાની પત્ની અને પુત્રીના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી તેમની પાસબુક સહિતનું સાહિત્ય જયેન્દ્રના કબ્જામાંથી મળી આવ્યું હતું.

દરમિયાન એસીબીની તપાસમાં જયેન્દ્રના કબ્જામાંથી કોઈ નલિનીબેન નામના વ્યક્તિના બેન્ક ખાતામાં પણ મોટી રકમની લેવડ દેવળ થઈ હોવાનું બહાર આવતા એસીબી દ્વારા નલિનીબહેનની ક્રોસ તપાસ ચાલુ કરવામાં આવી છે અને હાલમાં નલીનીબેન આ રકમ પોતે મકાન વેંચતા મળી હોવાનું રટણ કરી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

હાલના તબક્કે એસીબીના હાથમાં જયેન્દ્રના અનેક મજબૂત પુરાવા લાગ્યા છે અને કુલ મળીને 31 લાખની બેહિસાબી રકમ બેન્ક એકાઉન્ટમાંથી મળી આવી હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે જો હજુ પણ ઊંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવે તો આ રંગીન મિજાજી ભ્રષ્ટાચારી લોદરીયાના અનેક રહસ્યો ખુલે તેમ હોવાનું ખુદ સીટી સર્વે કચેરીના અંતરંગ વર્તુળો જણાવી રહ્યા છે.

 

- text