મોરબીમાં ગુર્જર પ્રજાપતિ સમાજના ૩૧૬ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ દ્વારા તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો : પિતાનું વ્યસન છોડાવનાર પુત્રનું આવતા વર્ષે વિશેષ સન્માન કરવાની જાહેરાત

મોરબી : મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ દ્વારા તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જ્ઞાતિના ૩૧૬ છાત્રોને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ તકે પિતાનું વ્યસન છોડાવનાર પુત્રનું આવતા વર્ષે વિશેષ સન્માન કરવાની અનોખી જાહેરાત પણ કરવામાં આવી હતી.

મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ દ્વારા તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં સમાજના ધો. ૧ થી કોલેજ સુધીના તેમજ વિશેષ સિદ્ધિ મેળવનાર ૩૧૬ જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમારોહમાં વ્યસનમુક્તિ સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે જે પુત્ર પોતાના પિતાનું વ્યસન છોડાવશે તેનું આગામી વર્ષે વિશેષ સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત સમારોહમાં જ્ઞાતિજનોને વિવિધ સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી.

સમારોહમાં જ્ઞાતિના નિવૃત જજ એ.સી. પ્રજાપતિ, આર.બી નગવાડિયા, એમ ડી મચ્છોયા, પીએમ નગવાડિયા, મુકેશભાઈ જોગીદાસ, શાંતિભાઈ કુરિયા, એમ.ટી લખતરિયા, કે આર ભલગામા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જ્ઞાતિજનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા હરેશભાઇ મચ્છોયા સાહિતનાએ જહેમત ઉઠાવી હતી.