નર્મદા બ્રાન્ચ કેનાલમાં ખાખરેચી સુધી પાણી પહોચ્યું : ખેડૂત આંદોલન યથાવત

- text


માળીયા ખેડૂત અન્યાય નિવારણ વિકાસ સમિતિએ ઉપવાસ આંદોલનને ટેકો જાહેર કર્યો

માળીયા : નર્મદા બ્રાન્ચ કેનાલમાં પૂરતું પાણી આપવા મુદ્દે ગઈકાલથી હજારો ખેડૂતો દ્વારા શરૂ થયેલું ઉપવાસ આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત ચાલુ રહ્યું છે તો બીજી તરફ નર્મદા કેનાલમાં પાણી ચોરી બંધ કરાવવામાં આવતા આજે ખાખરેચી ઉપવાસી છાવણી સુધી કેનાલમાં પાણી પહોંચી ગયું છે અને હજુ પણ ટેઇલ એન્ડના ૧૮ કિલોમીટર કેનાલ વિસ્તારમાં પાણી પહોચ્યું નથી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલ માળીયા નર્મદા બ્રાન્ચ કેનાલમાં ઉપરવાસના ખેડૂતો દ્વારા કરવામાં આવતી પાણી ચોરીને કારણે ખાખરેચી, ઘાટીલા, માણાબા સહિતના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા ગઈકાલે નર્મદા કેનાલ ઉપર ડેરા તંબુ નાખી ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે ઉપવાસ આંદોલનના બીજા દિવસે પણ ૧૦૦ થી વધુ ખેડૂતો ઉપવાસ પર બેઠા છે.

બીજી તરફ માળીયાના ૧૨ ગામના ખેડૂતો દ્વારા શરૂ કરાયેલ ઉપવાસ આંદોલનને પગલે સરકાર સફાળી જાગી છે અને ગઈકાલથી જ પાણી ચોરી ડામવા એક્શન મોડમાં આવી હળવદ પંથકના પાંચ ગામના ખેડૂતો વિરુદ્ધ પાણી ચોરી મામલે ફોજદારી ફરિયાદ દાખલ કરી દેડકા ઇલેક્ટ્રિક મોટરો જપ્ત કરી અનેકના વિજજોડાણ પણ કટ્ટ કરી નાખવામાં આવતા આજે ખાખરેચી સુધી પાણી પહોંચી ગયું છે.

- text

દરમિયાન માળીયાના ખાખરેચી ગામે આંદોલન છાવણીથી અરજણભાઈ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કેનાલમાં પાણીનો પ્રવાહ ધીમે ધીમે વધી રહ્યો છે અને હજુ પણ બ્રાન્ચ કેનાલના છેવડાના ૧૮ કિલોમીટર એરિયામાં પાણી પહોચ્યું નથી.

ઉલ્લેખનીય છે કે માળીયાના ૧૨ ગામના ખેડૂતો દ્વારા આજે બીજા દિવસે પણ ઉપવાસ આંદોલન જારી રખાયું છે ત્યારે આજે માળીયા ખેડૂત અન્યાય નિવારણ વિકાસ સમિતિએ આ આંદોલનને ટેકો જાહેર કરી કાજરડા, ફતેપર, વીર વિદરકા, હરિપર સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ખાખરેચી ઉપવાસી છાવણીએ પહોંચી ગયા હોવાનું અગ્રણી આમીનભાઈ ભટ્ટી એ જણાવ્યું હતું.

 

- text