ટંકારાના હડમતિયા ગામે ખેતરમા ટીટોડીના ઈંડા જોવા મળતા આશ્ચર્ય

સામાન્ય રીતે ચોમાસા પૂર્વે જોવા મળતા ટીટોડીના ઈંડા અષાઢમાં જોવા મળતા જગતનો તાત ચિંતિત

મોરબી : સામાન્ય રીતે વર્ષાઋતુના પ્રારંભ પૂર્વે ટીટોડીના ઈંડા જોઈ વરસાદ કેવો વરસશે તેનો વરતારો કાઢવામાં આવતો હોય છે, પરંતુ ટંકારના હડમતીયા ગામે ભર ચોમાસે ખેડૂતના ખેતરમાં ટીટોળીના ઈંડા જોવા મળતા જગતનો તાત ચિંતિત બન્યો છે.

ભડલી વાક્ય મુજબ ટીટોળીના ઈંડા કઇ દિશામાં હોય તો કેવો વરસાદ થાય તેનો ખ્યાલ આપવામાં આવ્યો છે, ઉતર ભરે તળાવડાં, દક્ષિણ કોરા જાય,
પશ્ચિમ પલાળે પાઘડી, પૂર્વે તોડે પાર…આ લોકવાયિકા અેક સમયે સાચી પડતી પણ હવે ગ્લોબલ વોર્મ ભાગની અસર વાતાવરણ અને જીવસૃષ્ટિમાં પણ દેખાય છે.

સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ગુજરાત સરકાર ચિંતાના વાદળોમાં ગરકાવ થઇ ગઇ છે. ખેડૂતોની અમુલ્ય મોલાતો જે મોંઘા ભાવનાં બિયારણો અને ખાતરો, દવાઓ લઇને વાવે છે. ખેડૂતો, માલધારીઓ અને પશુપાલકોને ઘાસચારાની પણ અછત જોવા મળી રહી છે. અનેક શહેરો તથા ગામડાઓમાં પીવાનાં પાણીની સમસ્યાઓ પણ ઉભી થવા લાગી છે. મેઘરાજા જાણે આ વર્ષે ગુજરાત પર તેમાંય સૌરાષ્ટ્ર-કચ્છમા રિસાયા હોય તેમ લાગે છે.

વરસાદ ખેંચાતાં અનેક ધાર્મિક જગ્યાઓમાં મેઘરાજાને મનાવવા માટે માનતાઓ, ઉપવાસ, રામધુન, યજ્ઞો, પદયાત્રાઓ જેવા અનેક આયોજનો લોકો કરી રહ્યા છે. પરંતુ વરસાદ વરસવાનું નામ જ લેતો નથી.

કાઠીયાવાડી લોકવાયકા મુજબ તેમજ ભડલી વાક્યો મુજબ ખેડુતો વરતારો કાઢીને વરસાદની આશામા દિવસો પસાર કરી રહ્યા છે, ટીટોડીને જ્યારે ઇંડા મુકવાનો સમય આવે છે અને જ્યાં ઇંડા મુકે છે તેના પરથી વરસાદની આગાહીઓ થાય છે. તે મુખ્યત્વે વૈશાખ મહિનાના અંતમાં ઇંડા મૂકે છે. જેઠ મહિનામાં તેના બચ્ચાં જોવા મળે છે.

પરંતુ વાતાવરણના ફેરફારને લીધે આજે અષાઢ ઉતરી રહ્યો છે અને શ્રાવણમાસ નજીક આવી રહ્યો છે છતા પણ ટીટોડીના ઇંડા જોવા મળે છે. હાલ ટીટોડીના ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડુતના ખેતરમા જોવા મળતા બે ઘડી જગતાતના શ્વાસ થંભી ગયા હતા અને હવે કેવો વરસાદ વરસશે તેની ચિંતામાં ગરક થયો છે.