કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ કરોડપતિ, દોઢ કરોડનું દેવું

45 વર્ષના વિનોદભાઈ પાસે ફોર્ચ્યુનર કાર, બીએ, બીએડ, એલએલબી અને એમએ સુધીનો અભ્યાસ

મોરબી : કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ લખમશીભાઈ ચાવડાએ આજે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું નામાંકન દાખલ કર્યું હતું, નામાંકનપત્ર સાથે 45 વર્ષીય વિનોદભાઈ ચાવડાએ રજૂ કરેલા સોગંદનામા મુજબ તેઓ અને તેમના પરિવાર પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનું જાહેર કર્યું છે, સાથે જ તેમના ઉપર દોઢેક કરોડથી વધુનું દેવું હોવાનું અને તેઓએ બીએ, બીએડ, એલએલબી અને એમએ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું જાહેર કર્યું હતું.

મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના રોહા ગામના વતની અને હાલમાં નિશાંતપાર્ક ભુજ ખાતે રહેતા 45 વર્ષીય કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ લખમશીભાઈ ચાવડાએ આજે પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. ઉમેદવારીપત્ર સાથે તેઓએ રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની પાસે સ્થાવર અને જંગમ મળી કુલ રૂપિયા 6,29,66,091ની સંપત્તિ છે. જ્યારે તેમના પત્ની સાવિત્રીબેન પાસે રૂપિયા 59,18,745ની સંપત્તિ છે, જયારે તેમના પુત્ર પ્રિયાંશુ પાસે 6,76,166 રૂપિયાની અને પુત્રી વિશ્વા પાસે 13,97,813 રૂપિયાની જંગમ મિલ્કત હોવાનું જાહેર કર્યું હતું.

વધુમાં કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ લખમશીભાઈ ચાવડાએ વર્ષ 2022-23માં 20,76,341 અને તેમના પત્નીએ 4,80,379 રૂપિયાનું આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું હોવાનું અને વિનોદભાઈ પાસે ફોર્ચ્યુનર ગાડી કિંમત રૂપિયા 29.64 લાખ અને એક ટ્રેકટર કિંમત રૂપિયા 2.26 લાખનું હોવાનું જાહેર કર્યું હતું.

સાથે જ વિનોદભાઈ ચાવડા સોનાના શોખીન હોવાનું તેમના સોગંદનામામાં જણાઈ આવે છે, વિનોદભાઈ પાસે રૂપિયા 42 લાખથી વધુનું 623 ગ્રામ સોનુ છે, જયારે તેમના પત્ની પાસે 21.36 લાખનું 313 ગ્રામ સોનુ અને 76,500ની કિંમતની એક કિલોગ્રામ ચાંદી તેમજ તેમના પુત્ર પ્રિયાંશુ પાસે 91 ગ્રામ સોનુ કિંમત રૂપિયા 6.21 લાખ અને પુત્રી વિશ્વા પાસે 4 લાખથી વધુ કિંમતનું 60 ગ્રામ સોનુ હોવાનું જાહેર કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વિનોદભાઈ ચાવડા પાસે હાથ ઉપર માત્રને માત્ર 40 હજાર રોકડા અને તેમના પત્ની સાવિત્રીબેન પાસે 60 હજાર રોકડા હોવાનું તેમજ વિનોદભાઈ માથે 1,56,05,895નું બેન્ક લોન સહિતનું દેવું છે, મજાની વાત તો એ છે કે, વિનોદભાઈ પાસે અનેક વીમાઓ હોવાની સાથે પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ તેઓએ સામાન્ય માણસની જેમ રૂપિયા 20 તેમજ 436 રૂપિયા પ્રીમિયમ ભરી વીમો પણ ઉતરાવ્યો હોવાનું સોગંદનામામાં જાહેર કર્યું છે.