મોરબીમાં પાટીદાર સમાજનું મહાસંમેલન : કાજલ હિન્દુસ્તાની માફી નહિ માગે તો ઉગ્ર આંદોલનની ચીમકી

કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજ વિશેની ટિપ્પણીને સખ્ત શબ્દોમાં વખોડતા પાટીદાર અગ્રણીઓ : કાજલ હિન્દુસ્તાની માફી માંગે એટલે મામલો પૂર્ણ થાય તેવો અગ્રણીઓનો એકસુર પરંતુ માફી નહિ માગે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી

મોરબી : પાટીદાર સમાજની દીકરીઓ અને માતા-પિતા વિશે કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં આજે મોરબીમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા એક મહાસંમેલન મળ્યું હતું. આ મહાસંમેલનમાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને બાપા સીતારામ ચોક ટૂંકો પડ્યો હતો. સંમેલનમાં હાજર મોરબી સહિત સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોએ કાજલ હિન્દુસ્તાનીનાં વિવાદિત નિવેદનને સખત શબ્દોમાં વખોડી તાકીદે કાજલ જાહેરમાં માંગી માંગવાની રોષપૂર્ણ માંગણી કરી હતી. તેમજ સર્વે અગ્રણીઓ જો કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી નહિ માંગે તો તેની સામે કડક કાર્યવાહીની સાથે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.

સંમેલનમાં જોધપર કુમાર છાત્રાલયના પ્રમુખ જયંતિભાઈ પટેલ, શનાળા પટેલ વાડીના પ્રમુખ નરભેરમભાઈ શિરવી, મોરબી જિલ્લા પાટીદાર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા, ઉદ્યોગપતિ લીંબાભાઈ મસોત,કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના ઉપપ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, સીરામીક એસોસિએશનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઇ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, પાટીદાર અગ્રણી ટી.ડી. પટેલ, વિનુભાઈ વિડજા, એ.કે. પટેલ, અનિલ વરમોરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


એ.કે.પટેલ ફરીથી કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ માનહાનીનો દાવો કરશે : બેચરભાઈ હોથી

આ સંમેલનમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ પ્રમુખ બેચરભાઈ હોથીએ જણાવ્યું હતું કે અત્યારે દેખાદેખીમાં લગ્ન થઈ રહ્યા છે. સમાજના લોકોએ સમૂહ લગ્ન તરફ વળવું જોઈએ. વધુમાં કાજલ હીન્દુસ્તાનિએ જે ટિપ્પણી કરી છે તેને હું વખોડું છું. સંસ્થાના ટ્રસ્ટી એ.કે.પટેલ ફરીથી કોર્ટમાં માનહાનીનો દાવો કરશે.


આ મોરબીની અસ્મિતા ઉપરનો ઘા : કૌશિક રાબડીયા

સૌરાષ્ટ્ર પાટીદાર સંગઠન સમિતિના પ્રમુખ કૌશિક રાબડીયાએ જણાવ્યું કે મોરબી પાટીદાર સમાજ દરેક જગ્યાએ દાન આપ્યું છે. એટલે આ સમાજને ઓછો ન આંકવો, આપણે કોઈને માફી મંગાવીને મોટા નથી થવું. પરંતુ આપણાં સમાજ સામે ખોટી આંગણી ચીંધવામાં આવી છે તેના કારણે આપણે આ બધું કરવાની જરૂર પડી છે. કાજલ હિન્દુસ્તાની માફી માંગી લે તો પટેલ સમાજ પણ ખેલદિલીથી માફ કરી દેશે. આ મોરબીની અસ્મિતા ઉપરનો ઘા છે. પાટીદાર સમાજ એ અઢારેય વરણની સાથે રહીને કઈક આપવામાં માનનારો સમાજ છે.


કાજલ હિન્દુસ્તાનીને પાટીદાર સમાજના કોઈ કાર્યક્રમમાં સ્ટેજ પર નહીં ચડવા દઈએ : ટી. ડી.પટેલ

ટી.ડી. પટેલે વધુમાં જણાવ્યું કે એને ખબર નથી કે સુતેલા સિંહના મોઢમાં હાથ નાખ્યો છે. પાટીદાર સમાજને બદનામ થતો સાંખી નહીં લેવાય. અમારી દીકરીઓને ચોરી કરવી પડે એવા દિવસો નથી આવ્યા, બાપ પૈસા કમાવવામાં વ્યસ્ત છે ના જવાબમાં તેઓએ કહ્યું કે પરસેવાની કમાણી કરે છે, જો આવી કોઈ ઘટના બની હોય તો નામ જાહેર કરવામાં આવે. અમે સ્વીકારવા તૈયાર છીએ. પોલીસે પણ કહ્યું કે મોરબીમાં આવી કોઈ ઘટના બની નથી, આથી બીજી મોટી કઈ સાબિતી હોય, આપણી સંપત્તિ, બહેન દીકરીની આબરૂ અને સમાજની આબરૂ બચાવવા માટે સંગઠિત થવું પડશે. આજે આટલી હાજરી જોઈને સમાજ જાગૃત થયો હોય એવું લાગી રહ્યું છે. આપણે પાટીદાર સમાજના દીકરા તરીકે નક્કી કરીએ કે આજથી કાજલ હિન્દુસ્તાની નહીં કાફર હિન્દુસ્તાની છે અને પાટીદાર સમાજના કોઈ પણ કાર્યક્રમમાં સ્ટેજ પર નહીં ચડવા દઈએ, જો એ એની માતાનું ધાવણ ધાવી હોય તો મોરબી આવીને સભા કરી જુએ.


ગમે તેવા મોટા માથા હોય ખોટું કરે તો માફી માંગે તમે કેમ નહિ ? : સરોજબેન મોરડીયા

સૌરાષ્ટ્ર પાટીદાર મહિલા સંગઠનના પ્રમુખ સરોજબેન મોરડીયાએ જણાવ્યું કે કાજલ હિન્દુસ્તાની તમારે આગળ વધવું હોય તો વધો, પરંતુ તમારી લીટી લાંબી કરવા અમરા સમાજને બદનામ ન કરો. ગમે તેવા મોટા માથા હોય, ખોટું હોય તો માફી માંગે તો પછી તમે કેમ ન માંગો ?


માનહાનીનો દાવો અને બીજા 15 કેસ કરાશે : મુકેશ કુંડારિયા

વધુમાં મુકેશ કુંડારીયાએ જણાવ્યું કે એક માનહાનીનો દાવો થયો છે હજુ કાલે એક થશે અને બીજા 15 કેસો કરાશે. આમ પાટીદાર સમાજ વિશે કરવામાં આવેલી ટિપ્પણી સામે આકરો જવાબ આપવામાં આવશે.


કાજલ હિન્દુસ્તાની માફી માગે, એટલી જ અમારી માંગ : અનિલ વરમોરા

અનિલ વરમોરાએ જણાવ્યું કે આ બેન હિન્દુની દીકરીને બચાવવા નિકળા છે તે પાટીદાર સમાજને બદનામ કરે છે. જે કાજલે કહ્યું એના કારણે સમાજને લાંબા ગાળે બહુ મોટી અસર થશે તે અસર ન થાય એના માટે આપણે આ કરવું પડે છે. આપણી બીજી કોઈ માંગ નથી. માત્ર કાજલ હીન્દુસ્તાની શબ્દો પાછા લઈ ખાલી માફી માંગે બસ એ જ માંગ છે.