હોળી-ધુળેટી રમતા પહેલા અને પછી આ રીતે શરીરની કાળજી લેવી જરૂરી..

મોરબી : સૌ કોઇને ધુળેટી પર રંગે રમવુ ગમતુ હોય છે. પરંતુ જ્યારથી બજારમાં કેમિકલયુક્ત રંગો આવ્યા છે ત્યારથી લોકોને ત્વચા અને વાળ સંબંધિત અનેક સમસ્યામાં વધારો થયો છે. જેના લીધે લોકો ધુળેટી રમવાનું પણ ટાળે છે. જો વૈદિક રંગો જેવા કે હળદર, કેસૂડો, ગુલાબ જેવા ફૂલોના કુદરતી રંગોથી હોળી રમવામાં આવે તો ત્વચા અને વાળને નુકસાન થતુ નથી અને તેનીથી ત્વચા સુંદર, મુલાયમ અને કોમળ બને છે. તેમજ ધુળેટી રમવા જતાં પહેલા રમતી વખતે અને એ પછી પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. તેનાથી ત્વચામાંની ભીનાશ જળવાઈ રહેશે.


ધુળેટી રમવા જતા પહેલા આ રીતે કાળજી રાખવી

રંગે રમવા જાવ તે પહેલા આખા શરીર પર તેલ લગાવી શકો છો. આ માટે તમે ચહેરા પર સરસવ અથવા તો તલના તેલથી માલિશ કરી શકો છો. તેનાથી તમારી સ્કિન પર કોઈ કેમિકલયુક્ત રંગની અસર થશે નહિ. જો કોઈ વ્યક્તિને તેલ માફક ન આવતું હોય તો તેઓ ડોક્ટરની સલાહ મુજબ સારી કંપનીનું સન્સ ક્રીમ કે મોશ્ચરાઇઝર પણ લગાવી શકે છે. કેમિકલવાળા રંગોને લીધે વાળ બરછટ કે કડક થઈ જાય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે હોળી રમતા પહેલા વ્યવસ્થિત રીતે વાળમાં તેલનું મસાજ કરવું જોઈએ. જો લાંબા વાળ હોય તો તેને ખુલ્લા રાખવાના બદલે પોની કે અંબોળો વાળી દેવો જોઈએ. જેથી વાળ ખરાબ થશે નહી. આંખમાં રંગ ન જાય તે માટે ચશ્માં કે ગોગલ્સ પહેરવા જોઇએ. તેમજ રંગ વડે રમતી વખતે શક્ય હોય તો આરામદાયક, સુતરાઉ વસ્ત્રો પહેરવાં જોઈએ. સિન્થેટિક નાઈલોનના કપડાં ભીનાં થાય ત્યારે ત્વચા સાથે ઘસાય છે.


રંગે રમ્યા બાદ આ રીતે કાળજી લેવી

ધુળેટી રમ્યા બાદ સૌથી પહેલા વ્યક્તિએ ચોખ્ખા પાણીથી કલર સાફ કરવો જોઈએ. જેથી શરીર પર ચોંટેલો કેમિકલયુક્ત રંગો સરળતાથી નીકળી જાય. આ સાથે તમે ચણાનો લોટ, ગ્લિસરીન અને લીંબુનો રસ આ ત્રણેયને મિક્સ કરી તેની પેસ્ટ બનાવી ચહેરા પર સારી રીતે લગાવી દેવી જોઈએ. લીંબુના રસની જગ્યા પર ગુલાબ જળ અથવા કુંવારપાઠુ(એલોવેરા) અથવા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. આનાથી તમારી ત્વચા પર લાગેલો કલર સરળતાથી દૂર થઈ જશે. વાળને પણ હુંફાળા ચોખ્ખા પાણીથી ધોઈ લો. ત્યારબાદ માઈલ્ડ શેમ્પુથી વાળને બે થી ત્રણ વાર ધોઈ લો. શેમ્પુથી ધોયા બાદ વાળમાં કંડિશનર અવશ્ય લગાવો. જો શેમ્પુ લગાવ્યા બાદ પણ હજુ વાળ શુષ્ક લાગે તો વાળમાં થોડીવાર દહીંનું માસ્ક લગાવી રાખો અને પછી વાળ ધોઈ નાખો.