ઉનાળો આકરો બનતા પ્રાથમિક શાળાનો સમય સવારનો કરો : શિક્ષકોની સરકારમાં રજુઆત

- text


પીએસઇની પરીક્ષામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં એરર આવતા અનેક વિદ્યાર્થીઓની ફી ન ભરાઈ હોવાથી પોર્ટલ ફરી કાર્યરત કરવાની પણ માંગ

મોરબી: વર્તમાન હવામાન ખાતાની આગાહીને ધ્યાને રાખી ગુજરાત રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓનો શાળા સમય વર્તમાન સપ્તાહથી સવારનો કરવા બાબતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા શિક્ષણ સચિવને રજુઆત કરવામાં આવી છે.

જેમાં સંગઠનના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ અને મહામંત્રી મિતેશભાઈ ભટ્ટે જણાવ્યું છે કે સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ગુજરાત, રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ ગૃહ મંત્રાલય, ભારત સરકારના ભારત મોસમ વિભાગ તેમજ સ્વાસ્થ્ય તથા પરિવાર વિભાગના વિવિધ પત્રોથી રાજ્ય સરકારને જણાવ્યા અનુસાર ગુજરાતમાં વર્તમાન કલાયમેટ સ્થિતિ અનુસાર ત્રણ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. તેમજ આગામી એક-બે દિવસોથી ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો જવાની શક્યતા છે. જેનો અનુભવ પણ થઈ રહ્યો છે. આને ધ્યાને રાખી યલો ઍલર્ટ આગાહી કરવામાં આવેલ છે. તાપમાન વધવાના પીક સમયમાં ખૂબ જ વધારે ગરમીને કારણે બપોરની શાળામાં વિદ્યાર્થીઓ આકળ વિકળ થતા હોય તેવું પણ ધ્યાને આવેલ છે. વધુ પડતી ગરમીના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર પડે તેવી પૂરી શક્યતાઓ છે. ઘણા વિસ્તારોમાં પાણીની તંગીના કારણે પણ પ્રશ્નો ઉદ્દભવે છે. જેથી ગુજરાત રાજ્યની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો શાળા સમય વર્તમાન સપ્તાહથી સવારનો રાખવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતની માંગ છે.

- text

વધુમાં સંગઠન દ્વારા જણાવાયુ હતું કે પી.એસ.ઈ પરીક્ષા પ્રાથમિક શાળાના ધોરણ ૬ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. જેની ફી ભરવાની અંતિમ તારીખ ૧૨/૩/૨૦૨૪ વીતી ગઈ છે અને જેમાં પરીક્ષા માટેના કન્ફર્મેશન નબર નંબર આવી ગયા છે એવા વિદ્યાર્થીઓ ની ઓનલાઈન ફી ભરતી વખતે કેટલીક જગ્યાએ સર્વર કે અન્ય ટેકનીકલ ખામીના કારણે ઑનલાઈન ટ્રાન્જેક્શન કરતા ટ્રાન્જેક્શન કેન્સલ થતું હોવાના કારણે ફી ભરાઈ શકી નથી, જેથી આવા બાળકોની ફી ભરવાનું રહી ગયું છે તો આટલી મહત્વની પરીક્ષામાં બાળકો પોતાની મહેનત કરી રહ્યા છે ત્યારે સરકારની વિદ્યાર્થીલક્ષી યોજનાના લાભથી વંચિત ના રહી જાય એ માટે પીએસઇ પરીક્ષાની ફી ભરવાનાં બાકી રહી ગયેલ બાળકોને ફી ભરવાનું પોર્ટલ ફરી ત્રણ ચાર દિવસ માટે ચાલુ કરવામાં આવે અથવા બીજો કોઈ વિકલ્પ આપવામાં આવે તો આ બાળકોને પીએસઈ પરીક્ષાનો લાભ મળી શકે અને એમનું ઉજ્જ્વળ ભવિષ્ય બનાવી શકે.

- text