ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

- text


ધોરણ 10 અને 12નાં છાત્રોના વિદાય સમારંભ પ્રસંગે વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડાઈ

માળીયા (મિ.) : તાલુકાના ખાખરેચી ગામની સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદાય સમારંભ કાર્યક્રમની શરૂઆતમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરના તમામ વિદ્યાર્થીઓને ગામના સરપંચ દિનેશભાઈ પારજીયાએ ઈનામ આપીને બિરદાવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શાળા સાથેના સમયને વાગોળી પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ શાળાને આ પ્રસંગે ન્યૂઝ પેપર સ્ટેન્ડની ભેટ આપી હતી.

આ તકે ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ખાખરેચી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી તેમજ માળીયા પોલીસ વિભાગ તરફથી પેન આપીને બોર્ડની પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિદાય સમારોહને યાદગાર બનાવવા માટે સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ, રૂમાલ દાવ જેવી જુદી જુદી રમત રમાડીને વિદ્યાર્થીઓને આનંદ કરાવ્યો હતો. ત્યારબાદ તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો સ્ટાફ સાથે રાસ ગરબા રમ્યા હતા.

- text

શાળાના મદદનીશ શિક્ષક કલ્પેશભાઈ બરાસરાએ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામા ચિંતા ન કરવી, શું ધ્યાન રાખવુ, કેવી રીતે તૈયારી કરવી જેવી બાબતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરીને બિરદાવ્યા હતા. તમામ શાળા સ્ટાફગણે પણ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની શુભકામનાઓ પાઠવી હતી.. અંતે શાળાના આચાર્ય મેહુલભાઈ ભોરણીયાએ વિદ્યાર્થીઓને શાળાના મહત્વની, વિદ્યાર્થીના ઘડતરની વાતો અને આત્મવિશ્વાસ સાથે મહેનત કરીને બોર્ડની પરીક્ષામાં સફળ થાવ તેવી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ ભાવુક થયા હતા અને ત્યારબાદ સૌ સાથે નાસ્તો કરીને છુટ્ટા પડ્યા હતા.

- text