કેન્દ્રીય બજેટમાં ગેસને જીએસટીમા સમાવવા માંગ ઉઠાવતો મોરબીનો સિરામિક ઉદ્યોગ

મહિલાઓને રોજગારી આપતા કલોક ઉદ્યોગને બચાવવા જીએસટી ઘટાડવો અત્યંત આવશ્યક

મોરબી : કેન્દ્રીય બજેટનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગએ ફરી એકવખત સિરામિક ઉદ્યોગના ઈંધણ તરીકે વપરાતા નેચરલ ગેસને વેટને બદલે જીએસટીના દાયરામા સમાવવા માંગ ઉઠાવી છે, બીજી તરફ મોરબીની ઓળખ સમા કલોક ઉદ્યોગે પણ મહિલાઓને રોજગારી આપતા ઘડિયાળ ઉદ્યોગમાં જીએસટીનો દર ઘટાડવા માંગ કરી છે.

આગામી માસે રજૂ થનાર કેન્દ્રીય બજેટ પૂર્વે મોરબીના બે મુખ્ય કહી શકાય તેવા સિરામિક અને કલોક ઉદ્યોગે કેન્દ્ર સરકાર પાસે રાહત માટે ખોળો પાથર્યો છે, હાલમાં વિકરાળ કહી શકાય તેવી મંદીની સામનો કરી રહેલા ઘડિયાળ ઉદ્યોગને અઠવાડિયામાં બે દિવસ રજા પાડવી પડે તેવી સ્થિતિ હોવાનું જણાવી કલોક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પૂર્વ પ્રમુખ શશાંકભાઈ દંગીએ જણાવ્યું કે, ઘડિયાળ ઉદ્યોગ મહિલાઓને મોટા પ્રમાણમાં રોજગારી આપી રહ્યો છે ત્યારે આ ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવવા માટે હાલમાં 18 ટકાનો જીએસટી સ્લેબ ઘટાડવો અત્યંત આવશ્યક છે.

બીજી તરફ મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, હાલમાં વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ઉદ્યોગમાં વપરાતો નેચરલ ગેસ વેટને બદલે જીએસટી હેઠળ લાવવા માટે ગત બજેટ પૂર્વે પણ સરકાર સમક્ષ માંગ ઉઠાવવામાં આવી હતી અને આ વર્ષે પણ સિરામિક ઉદ્યોગની મુખ્ય માંગ આ જ છે. વધુમાં તેઓ ઉમેરે છે કે, હાલમાં સિરામિક ઉદ્યોગ સ્ટ્રગલ કરી રહ્યો છે, ત્યારે જો નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવામાં આવે તો ચોક્કસ પણ ઉદ્યોગને ફાયદો મળશે સાથે સાથે જો ઈંધણ સસ્તું બનશે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વના બીજા નંબર ઉપરથી સીધો જ પ્રથમ નંબરે આવી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન મુકેશભાઈ કુંડારિયાએ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ઇન્કમટેક્સની 43 બીએચની જોગવાઈ મુજબ હાલમાં સિરામિક ઉદ્યોગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, સિરામિક ઉદ્યોગને 120 દિવસની ઉધારીમાં માલ વેચવો પડતો હોય એ કલમને કારણે 33 ટકાની જોગવાઈ લાગુ પડે છે જેથી કા તો આ કલમ નાબૂદ કરવી અથવાતો એમએસએમઇ ઉદ્યોગની જેમ સિરામિક ઉદ્યોગને આ કલમનો લાભ આપવો જોઈએ તેવી માંગ કરી હતી. સાથે જ સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં 60 ટકા પડતર ખર્ચ ગેસ, કોલસો તેમજ ઇલેક્ટ્રિસિટીમા જતો હોય જો ઈંધણ બાબતે રાહત મળે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ હજુ પણ ચાઈનાને કચડી વિશ્વમાં ટોપ લેવલે આવી શકે તેમ હોવાની આશા વ્યક્ત કરી સરકાર સમક્ષ હકારાત્મક દિશામાં માંગ સંતોષવા વાત દોહરાવી હતી.