કન્ટેનર ભાડામાં પાંચ ગણો વધારો ! સીરામીક એક્સપોર્ટમાં 40 ટકાનો ઘટાડો 

- text


લાલ સમુદ્રમાં ચાંચિયાઓના આતંકને પગલે મોરબીના એક્સપોર્ટર અને ઈમ્પોર્ટરો મૂંઝવણમાં 

મોરબી : લાલ સમુદ્રમા હુથી બળવાખોરો દ્વારા આતંક મચાવવામાં આવતા શિપિંગ કંપનીઓએ રૂટ ડાયવર્ટ કરી કન્ટેનર ભાડામાં સરચાર્જ ઝીક્યાં બાદ હવે કન્ટેનર ભાડામાં પાંચ ગણો ભવા વધારો ઝીકતા મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર માઠી અસર પડી છે અને એક્સપોર્ટમાં 35થી 40 ટકા ઘટાડો નોંધાયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

ભારત દેશમાંથી યુરોપ અને અમેરિકા એક્સપોર્ટ થતો માલ લાલસમુદ્રના માર્ગે પરિવહન થાય છે પરંતુ હાલમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરો વ્યાપારી જહાજોને નિશાન બનાવી હુમલાઓ કરતા હોવાથી મોટાભાગની શિપિંગ કંપનીઓ લાલ સમુદ્રમાંથી પરિવહન રોકવાનો નિર્ણય લઈ મિડલ ઇસ્ટના દરિયાઈ માર્ગે શિપિંગ કરી રહ્યા હોવાથી 1500 ડોલરનો સરચાર્જ અમલી બનાવતા એક્સપોર્ટરોની મુશ્કેલીમાં વધારો થયો છે.

બીજી તરફ લાલ સમુદ્રમાં હુથી બળવાખોર ચાંચિયાઓના આતંકને કારણે યુરોપ અને અમેરિકી દેશોમાં એક્સપોર્ટ થતા માલનું પરિવહન ડાયવર્ટ રૂટ ઉપર કરાતા તા.19 ડિસેમ્બરથી શિપિંગ કંપનીઓએ સરચાર્જ અમલી બનાવ્યા બાદ મોરબીના સીરામીક એક્સપોર્ટમાં 35થી 40 ટકાનો તોતિંગ ઘટાડો થયો હોવાનું મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું છે. સાથે જ કન્ટેનર બિઝનેશ સાથે જોડાયેલા દિગપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લાલસમુદ્રમાં વર્તમાન સ્થિતિ જોતા અગાઉ જે કન્ટેનર 700 ડોલરમાં જતું હતું તે હાલમાં 3500 ડોલરમાં જાય છે જેથી ભાડા વધારાને પગલે એક્સપોર્ટર અને ઈમ્પોર્ટર બન્ને તરફથી મુશ્કેલીમાં મુકાયા છે અને આવી જ સ્થિતિ આગામી ત્રણ મહિના સુધી રહેવાની દહેશત પણ તેઓએ વ્યક્ત કરી હતી.

- text

મોરબીના અગ્રણી એક્સપોર્ટર નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે લાલ સમુદ્રમાં તંગ પરિસ્થિતિને કારણે આવનાર સમયમા ભારતીય પ્રોડકટના ભાવ વધશે કારણ કે શિપિંગ ચાર્જ વધતા જે તે દેશના ઇમ્પોર્ટરો ઉપર આ ભારણ વધતા આપણો માલ તેમને મોંઘો પડશે જેના કારણે આવનાર થોડા સમય માટે કંટેનર લોડીંગ પ્રકીયામા પણ માઠી અસર પડી છે અને હાલમાં 35 ટકા જેટલું એક્સપોર્ટ ઘટી ગયું હોવાનું તેમને ઉમેર્યું હતું.

- text