માળીયાના ખીરઇ ગામે સિરામિક ફેકટરીના સોલાર પ્લાન્ટનો કેબલ ચોરાયો

- text


અજાણ્યા તસ્કરો રૂ.30 હજારનો એલ્યુમિનિયમ તેમજ કોપર વાયર કાપી ગયા

મોરબી : માળીયા તાલુકાના ખીરઇ ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમા ફિટ કરાયેલ સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરો રૂપિયા 30 હજારની કિંમતના એલ્યુમિનિયમ તેમજ કોપરના વાયરની ચોરી કરી જતા ફેકટરીના ભાગીદાર દ્વારા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના ખીરઇ ગામે આવેલ એલાઈવ ગ્રેનિટો એલએલપી નામની સિરામિક ફેકટરીના મોરબી યદુનંદન સોસાયટીમાં રહેતા ભાગીદાર દિલીપભાઈ બચુભાઇ મોકસણાએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની ફેકટરીમાં વીજ વપરાશ માટે ફેકટરી સંકુલ નજીક સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે જેમાં ઉત્પન્ન થતી વીજળી ખીરઇ જેટકો ખાતે એલ્યુમિનિયમ વાયરથી વહન કરવામા આવે છે.

- text

વધુમાં સોલાર પ્લાન્ટથી ઉત્પન્ન થતી વીજળી જેટકો વીજ કંપનીમાં મોકલવા માટે નાખવામાં આવેલ વાયર પૈકી બે થાંભલા વચ્ચેથી 250 મીટર એલ્યુમિનિયમ વાયર તેમજ જમીનમાં નાખવામાં આવેલ કોપર લેયર કેબલ 20 મીટર મળી કુલ રૂપિયા 30 હજારનો વાયર કોઈ અજાણ્યા તસ્કર ગત તા.10થી 11 ડિસેમ્બરની રાત્રીના સમયે તીક્ષ્ણ હથિયાર વડે કાપીને લઈ જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text