વઘાસિયાના ગેરકાયદે ટોલનાકા મામલે અગાઉ મોદી અને ગડકરીને પણ લેખિત રજૂઆત કરાઈ હતી

- text


વઘાસિયાના સ્થાનિક યુવાને ગત એપ્રિલ માસમાં લેખિત ફરિયાદ કરી હતી : રજૂઆતમાં કેન્દ્રની તિજોરીને 36 કરોડથી વધુનું નુકશાન પહોચાડ્યાનું પણ જણાવાયું હતું : હજારો વાહનો પસાર થવાથી ઊડતી રજકણોએ ખેડૂતોની ખેતી બગાડી

મોરબી : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક જ બંધ પડેલી ફેક્ટરીમાંથી રસ્તો કાઢી બોગસ ટોલનાકેથી વાહનો પસાર કરાવી દરરોજ લાખોના ઉઘરાણા કરવાના ચકચારી પ્રકરણમાં સરકારની ઘોર બેદરકારી સામે આવી છે. વઘાસિયા ગામના ખેડૂત યુવાને સરકારની તિજોરીને નુકશાન પહોંચાડતા આ ખેલ મામલે એક વર્ષ અગાઉ વડાપ્રધાન કાર્યાલય અને કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રીને લેખિત ફરિયાદ કરી હતી જેમાં સરકારે પગલાં ન ભરતા કેન્દ્રની તિજોરીને 36 કરોડથી વધુનું નુકશાન પહોંચ્યું હોવાની જાણ પણ કરાઈ હતી.

બામણબોર – કચ્છ હાઇવે ઉપર વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા નજીક ગેરકાયદે રસ્તાઓ બનાવીને લાખો રૂપિયા ઉઘરાવવામાં આવતા પ્રકરણમાં વધુ એક ખુલાસો થયો છે જેમાં એક સ્થાનિક યુવાને આ મામલે અગાઉ મોદી અને ગડકરીને પણ લેખિત ફરિયાદ કરી ગેરકાયદે ટોલનાકા અંગે જાણ કરી હોવાનું બહાર આવ્યું છે.જેમાં વઘાસિયા ગામમાં રહેતા દિલીપભાઈ કરશનભાઇ વાઢેર નામના ખેડૂતે 28 એપ્રિલ 2023ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીને ઉદ્દેશીને ટોલનાકા નજીક ચાલતા ખેલ મામલે સ્ફોટક પત્ર લખ્યો હતો.

- text

વઘાસિયા ગામના રહેવાસી દિલીપભાઈ કરશનભાઇ વાઢેરે વડાપ્રધાન કાર્યાલયને લખેલા પત્રના જણાવ્યું હતું કે, તેમના ખેતર પાસેથી ગેરકાયદે રસ્તો કાઢી દરરોજ 2000 જેટલા વાહનો પસાર કરાવી પૈસા ઉઘરાવી સરકારની તિજોરીને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. દૈનિક બે હજાર વાહનો અહીંથી પસાર થતા હોવાથી દરરોજ સરેરાશ દશ લાખ રૂપિયાનું નુકશાન ગણતા વર્ષે સરકારને 36 કરોડથી વધુ નુકશાન પહોંચી રહ્યું હોવાનું રજુઆતમાં જણાવાયું હતું.

વધુમા દિલીપભાઈએ રજુઆતમાં જણાવ્યું હતું કે, તેમના ખેતરની બાજુમાથી જ ગેરકાયદે રસ્તો કાઢી દરરોજ 2 હજાર વાહનો પસાર કરાતા હોવાથી વાહનોથી ઊડતી ધૂળને કારણે તેમના ખેતરમાં પાકને નુકશાન થઇ રહ્યું છે.આ સંજોગોમાં જો કેન્દ્ર અને રાજ્ય સરકાર આ યુવાનની રજૂઆતને પગલે સમયસર જાગી હોત તો સરકારી તિજોરીને કરોડો રૂપિયાની ખોટ ન સહન કરવી પડત.

- text