દિવસ વિશેષ : આયુર્વેદ તરફ પાછા વળવાના ઉદેશથી ધન્વંતરી જયંતી એ ઉજવાય છે ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’

- text


આ વર્ષે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની થીમ છે હર દિન હર કિસી કે લીયે આયુર્વેદ – આયુર્વેદ ફોર વન હેલ્થ

મોરબી : આયુર્વેદ આયુષ્ય હિત (પથ્ય આહારવિહાર), અહિત (અપથ્ય આહારવિહાર), રોગના નિદાન અને વ્યાધિની ચિકિત્સા કહેવાય છે. પથ્ય આહારનું સેવન તેમજ અપથ્ય આહારનો ત્યાગ કરવાથી મનુષ્ય પૂર્ણ રુપથી સ્વસ્થ રહી શકે છે. આયુર્વેદ અનુસાર સ્વસ્થ વ્યક્તિ જ જીવનના પરમ લક્ષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. આ ચારેયની પ્રાપ્તિનું મુખ્ય સાધન શરીર છે. એટલે બધી જ રીતે વિશેષ રુપથી શરીરની રક્ષા કરવી જોઇએ.

આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ એ ભારતની મૂળભૂત અને પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. જેનો મુખ્ય હેતુ ઔષધિઓ અને પ્રાકૃતિક વસ્તુઓથી લોકોને સ્વસ્થ રાખવા અને બીમાર પડે તો તેની સારવાર કરવાનો છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ મુજબ દિનચર્યા અને ઋતુચર્યાના સિદ્ધાંતોનું પાલન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ઋતુજન્ય તથા જીવન શૈલીજન્ય રોગો સામે રક્ષણ મળે છે.

આયુર્વેદ એ ધન્વંતરી જેવા અનેક ઋષિમુનીઓ અને વૈજ્ઞાનિકોના સંશોધન અને અનુભવથી રચાયેલી ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદ જેવી ઉમદા ચિકિત્સા પદ્ધતિના પ્રણેતા એવા ધન્વંતરી દેવની જન્મજયંતી આસો વદ તેરસ એટલે કે ધન તેરસના દિવસે છે. જનતાને ભારતીય ધરોહર સમાન આયુર્વેદ તરફ પાછા વાળવાના ઉદેશથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દૂરંદેશી દાખવીને ધન્વંતરી જયંતીને કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય અંતર્ગત ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ જાહેર કર્યો છે.

આ વર્ષે હર દિન હર કિસી કે લીયે આયુર્વેદ – આયુર્વેદ ફોર વન હેલ્થ થીમ આધારિત રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેજા હેઠળ રાજ્ય સરકાર આયુર્વેદ ચિકિત્સાને જન-જન સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે ‘આયુષ’નો અર્થ A-આયુર્વેદ, Y-યોગ, U-યુનાની, S-સિદ્ધા, H-હોમીયોપેથી થાય છે.

- text

- text