હળવદના સરંભડા ગામે યુવાન ઉપર છરી વડે હુમલો

- text


પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ : પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

હળવદ : ગતરાત્રિના હળવદ તાલુકાના સરંભડા ગામે આવેલ તળાવ કાંઠે યુવાનને બોલાવ્યા બાદ ત્રણ જેટલા શખ્સોએ છરીના ઘા જીકી દીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેથી ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો સાથે જ બનાવને પગલે પોલીસ સરંભડા ગામે દોડી ગઈ હતી.તો બીજી તરફ આ ઘટનામાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ મૂળ હળવદ તાલુકાના રણછોડગઢ ગામના અને હાલ સરંભડા ગામે ખેતીની જમીન ભાગવી રાખી મજૂરી કામ કરતા સંજયભાઈ ભરતભાઈ દઢૈયા નામના યુવાનને ગતરાત્રિના નવેક વાગ્યાની આસપાસ સરંભડા ગામના પાદરમાં આવેલ તળાવ કાંઠે આ જ ગામના ત્રણ જેટલા શખ્સોએ તળાવ કાંઠે બોલાવ્યો હતો અને સંજય કાંઈ પણ સમજે તે પહેલા તેના પેટના ભાગે ઉપરા છાપરી ત્રણ જેટલા છરીના ઘા જીકી દીધા હતા. જેથી સંજય ત્યાં ઢળી પડ્યો હતો જોકે બનાવની જાણ આજુબાજુના લોકોને થતા તેઓએ સંજયને તાત્કાલિક સારવાર માટે હળવદ લઈ આવ્યા હતા પરંતુ હાલત વધુ ગંભીર હોય જેથી વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો છે.

- text

બીજી તરફ બનાવને પગલે હળવદ પોલીસ મોડી રાત્રીના સરંભડા ગામે દોડી ગઈ હતી જોકે આરોપીઓ ફરાર થઈ ગયા હોય જેથી હાલ પોલીસ દ્વારા આરોપીઓ સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ આ ઘટનામાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે જોકે સાચી હકીકત પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જ સામે આવશે.

- text