ઝૂલતાપૂલ દુર્ઘટનામાં ત્રણે-ત્રણ પુત્રો ગુમાવનાર સામાન્ય પરિવારને ફરી ઈશ્વરે પુત્રની ભેટ આપી

- text


આજે પુત્રનો જન્મ થયો એની ખુશી કરતા ત્રણ પુત્રો ગુમાવ્યાનો આઘાત જીરવી શકાય એમ નથી, ઝૂલતાપૂલના દોષિતોને કડક સજા થશે ત્યારે જ પુત્રોના આઘાતની કળ વળશે

મોરબી : મોરબીની ઝૂલતાપૂલની દુર્ઘટનામાં કેટલાય પરિવારોએ પોતાના વહાલા સ્વજનોને ગુમાવ્યા હતા.તેવી જ રીતે મોરબીના સામાંકાંઠે રહેતા સામાન્ય પરિવારે ઝૂલતાપૂલની દુર્ઘટનામાં ત્રણે ત્રણ પુત્રો ગુમાવ્યા હતા. માનવ સર્જિત આપતિમાં સર્વસ્વ ગુમાવનાર આ સામાન્ય પરિવાર ઉપર ઈશ્વર મહેરબાન થયા હોય એમ ફરી એક પુત્ર રત્નની ભેટ આપી છે. ઈશ્વરે આ સામાન્ય પરિવારને માનવ સર્જિત અપતિએ આપેલા જખ્મો ઉપર ઉમંગનો રંગ મહેકાવ્યો છે.

- text

મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ ગાંધી સોસાયટીની અંદર આવેલા બૌદ્ધનગરમાં રહેતા રાજુભાઈ મૂછડીયા મજુરી કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્રો જ હતા. જેમાં ચિરાગ રાજુભાઇ મૂછડીયા (ઉ.વ.19), ધાર્મિક (ઉ.વ.18) અને ચેતન (ઉ.વ.16) હજુ તો યુવાન બને અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય તે પહેલાં માનવ સર્જિત આપત્તિએ છીનવી લીધા હતા. દિવાળી પછીના દિવસોમાં આ પરિવાર ઉપર દુઃખનું આભ તૂટી પડ્યું હતું. દિવાળી પછીના દિવસોમાં ઝૂલતાપૂલ રીનોવેશન થઈને ખુલ્લો મુકાયો હોવાથી આ સામાન્ય પરિવારને ત્રણેય પુત્રો ઝૂલતાપૂલ ઉપર ફરવા ગયા હતા. ત્યારે ઝૂલતાપૂલ તૂટી લડત આ ત્રણેય પુત્રો એકસાથે મોતને ભેટ્યા હતા. ઝૂલતાપૂલની દુર્ઘટનામાં સર્વસ્વ ગુમાવી દેતા સામાન્ય પરિવારના માતાપિતા ભાંગી પડ્યા હતા.પણ કુદરતની ગત ન્યારી હોય છે અને એક ખુશી છીનવી લે તો બીજી ખુશી એવી આપે છે કે પરિવારમાં ફરી આનંદ કિલ્લોલ થઈ જાય છે. આવી જ રીતે ઝૂલતાપૂલની દુર્ઘટનામાં ત્રણ પુત્રો ગુમાવનાર રાજુભાઇને ઈશ્વરે ફરી પુત્રની ખુશી આપી છે. આ અંગે રાજુભાઇ કહે છે કે, મારી પત્નીએ કાલે હોસ્પિટલમાં પુત્રનો જન્મ આપ્યો છે. જો કે સિઝેરિયન થયું હતું. પણ આ નવો પુત્ર આવ્યો એની ખુશીની સાથે અગાઉ ત્રણ પુત્રો ગુમાવ્યાનુ મોટું દુઃખ પણ છે. ત્રણ પુત્રોનો અકાળે વિયોગ થયો એ આઘાત કેમે ય કરીને જીરવી શકાય એવો નથી.જો કે ઝૂલતાપૂલના દોષિતોને કડક સજા મળશે ત્યારે જ આઘાતની કળ વળશે. પણ આજે જેમ કુદરતે પુત્રની ખોટ સલવા દીધી નથી એમ ન્યાય પણ જરૂર મળશે, કારણ કે ઈશ્વર કે ઘર મેં દેર હૈ અંધેર નહિ.

- text