મોરબીમાં પ્રાથમિક સુવિધાના અભાવ મામલે મહિલાઓનો પાલિકામાં મોરચો

- text


વીસીપરા અંદર આવેલ વિજયનગર, શાંતિવન સોસાયટીની મહિલાઓની ભૂગર્ભ ગટર, દૂષિત પાણી વિતરણ સહિતની સમસ્યાઓની ઉગ્ર રજુઆત : હદ બાબતે ગ્રામ પંચાયત અને નગરપાલિકા ખો આપતી હોવાનો બળાપો ઠાલવ્યો

મોરબી : મોરબી નગરપાલિકામાં આજે પ્રાથમિક સુવિધાઓના અભાવ મામલે મહિલાઓએ મોરચો માંડ્યો હતો અને વીસીપરા અંદર આવેલ વિજયનગર, શાંતિવન સોસાયટીની મહિલાઓએ ભૂગર્ભ ગટર, દૂષિત પાણી વિતરણ સહિતની સમસ્યાઓની ઉગ્ર રજુઆત કરી હતી. તેમજ હદ બાબતે ગ્રામ પંચાયત અને નગરપાલિકા એકબીજા ઉપર ખો આપતી હોવાનો બળાપો ઠાલવ્યો છે.

મોરબીના વીસીપરા અંદર આવેલ વિજયનગર અને શાંતિવન સોસાયટીની મહિલાઓનું ટોળું આજે રજુઆત કરવા નગરપાલિકા કચેરીએ દોડી ગયું હતું અને તંત્ર સમક્ષ મહિલાઓએ ઉગ્ર રજુઆત કરી હતી કે, તેમની સોસાયટી છેવાડે આવેલી હોવાથી વર્ષોથી વિકાસથી વંચિત છે. આ સોસાયટીઓમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનું નામોનિશાન નથી. જેથી હાલ ચોમાસામાં પાણી ભરાવાથી તેમજ ગારા કીચડના થર જામવાથી ભયંકર ખરાબ હાલત થઈ ગઈ છે.

વધુમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતું હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. સફાઈનો સંદતર અભાવ હોય ઠેર-ઠેર ઉકરડાના ગંજ ખડકાયા છે. અનેક વખત પાલિકા તંત્રને રજુઆત કરી છતાં કોઈ પરિણામ આવ્યું નથી. ઉલટાનું નગરપાલિકામાં રજુઆત કરવા આવીએ ત્યારે તંત્ર તમારો વિસ્તાર અમરેલી ગ્રામ પંચાયતમાં આવતો હોય ત્યાં રજુઆત કરવા જવાનું કહે છે અને અમરેલી ગ્રામ પંચાયતમાં રજુઆત કરવા જાય તો તે પણ તમારો વિસ્તાર નગરપાલિકામાં આવતો હોવાનું કહીને નગરપાલિકામાં રજુઆત કરવાનું કહે છે.

- text

આમ ગ્રામ પંચાયત અને નગરપાલિકા વચ્ચે હદ બાબતની ખોથી આ વિસ્તારના લોકો પીસાઈ રહ્યા છે. આથી મહિલાઓ આજે ફરીથી પાલિકા તંત્ર સમક્ષ ભૂગર્ભ ગટર, દૂષિત પાણી અને સફાઈ પ્રશ્ને યોગ્ય ધ્યાન આપી તુરંત કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text