મોરબીમાં ખિસ્સા ખર્ચીના પૈસા માંગી યુવાનની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ

- text


હત્યાના ગંભીર બનાવોમાં મોરબીના સરકારી વકીલે છેલ્લા બે અઠવાડિયામાં 6 સજાઓ કરાવી

મોરબી : મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાં વર્ષ 2021માં નિર્દોષ યુવાન પાસેથી બળજબરીથી ખિસ્સા ખર્ચીના પૈસા માંગી ઝઘડો કરી છરીના ઘા ઝીકી દઈ માથાભારે શખ્સે હત્યા કરી નાખતા આ ગંભીર બનાવમાં મોરબી કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી રૂપિયા 2 લાખનો દંડ ફટકારી દંડની રકમ મૃતકના કાયદેસરના વારસદારોને કમ્પૅશેસન રૂપે ચૂકવવા આદેશ કર્યો હતો.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો ગત તા.21 નવેમ્બર 2021ના રોજ સાંજના સમયે મોરબી સો-ઓરડી નજીક રામદેવનગરમાં રહેતા પ્રદીપભાઈ વિનોદભાઈ મકવાણા ઉ.27 નામના યુવાનની માળીયા વનાળીયા સોસાયટીમાં રામાપીરના મંદિર નજીક આરોપી કેવલદાસ નટવરદાસ રાબડીયાએ હત્યા કરી નાખતા મૃતકના મોટાભાઈ સંદીપભાઈ વિનોદભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, મૃતક પ્રદીપભાઈ કી કમાતા ન હોવા છતાં આરોપી કેવળદાસ તેમની પાસે ખિસ્સા ખર્ચીના પૈસા માંગી હેરાન કરતો હતો અને તા.21ના રોજ સાંજ ના સમયે પણ ખિસ્સા ખર્ચીના પૈસા આપવાનું કહેતા મૃતક પ્રદીપભાઈએ પૈસા ન હોવાનું કહેતા આરોપી કેવલદાસ નટવરદાસ રાબડીયાએ ઝઘડો કરી છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી.

- text

આ અંગેનો કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો અને 10 મૌખિક તેમજ 27 દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ નામદાર મોરબી કોર્ટે આરોપી કેવલદાસ નટવરદાસ રાબડીયાને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કરી આરોપીને રૂપિયા 2 લાખનો દંડ ફટકારી દંડની રકમ મૃતકના કાયદેસરના વાલી વારસોને કંપેસેશન રૂપે ચૂકવવા આદેશ કર્યો હતો.

- text