મચ્છુ -1 ડેમ 90 ટકા ભરાતા 24 ગામોને એલર્ટ કરાયા

- text


ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થયો, મચ્છુ-2 ડેમ 64 ટકા ભરાયો

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માત્ર વારંવાર ઝાપટા જ પડ્યા હોવાની વચ્ચે ઉપરવાસમાં સારા વરસાદથી છેલ્લા 24 કલાકમાં દસ જળાશયમાંથી બે જળાશયમાં નોંધનીય આવક થઈ છે. એટલે છેલ્લા 24 કલાકમાં જિલ્લાના કુલ દસ ડેમોમાંથી મચ્છુ-1માં 1.20 ફૂટ અને મચ્છુ-2 ડેમમાં 1.05 ફૂટ નવા નીરની નોંધનીય આવક થઈ છે. આથી મચ્છુ-1 ડેમ 90 ટકા ભરાતા ગમે તે ઘડીએ ઓવરફ્લો થવાની શકયતા હોવાથી 24 ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે મોરબીનો મચ્છુ-2 ડેમ 64 ટકા ભરાયો છે.

મોરબી જિલ્લાના કુલ દસ જળાશયોમાં છેલ્લા 24 કલાકમાં માત્ર બે જ જળાશયોમાં નોંધનીય નવા નિરની આવક થઈ છે અન્ય જળાશયોમાં સામાન્ય નવા નીરની આવક થઈ છે. સિંચાઈ વિભાગ તરફથી સતાવાર મળેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં 1.28 ફૂટ નવું પાણી આવ્યું છે. હાલની સ્થિતિ મુજબ મચ્છુ-1 ડેમ 90.12 ટકા ભરાય ગયો છે. આથી આ ડેમમાં હાલ 3617 ક્યુસેક પાણીની આવક ચાલુ હોય ગને તે ઘડીએ ઓવરફ્લો થવાની શકયતા હોવાથી હેઠવાસના મોરબીના 4 અને વાંકાનેરના 20 ગામોને એલર્ટ કરાયા છે.

- text

જ્યારે મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમમાં પણ છેલ્લા 24 કલાકમાં 1.05 ફૂટ નવા નિરની આવક થઈ છે આથી હાલની સ્થિતિએ મચ્છુ-2 ડેમ 64.40 ટકા ભરાય ગયો છે. 33 ફૂટની સપાટી ધરાવતો મહાકાય મચ્છુ ડેમ હાલ 26.90 ફૂટની સપાટી પહોંચી છે. હાલ મચ્છુ-2 ડેમમાં 379 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.જ્યારે અન્ય જળાશયોમાં સામાન્ય આવકની વિગતો પર નજર કરીએ તો ટંકારાના ડેમી 2 ડેમમાં 0. 33, મોરબીના જીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમમાં 0.33 ફૂટની આવક સાથે ઓવરફ્લો થયો છે. તેમજ હળવદના બ્રાહ્મણી ડેમમાં 0.89 ફૂટની આવક સાથે 46.12 ટકા ભરાયો અને બ્રાહ્મણી- 2 ડેમમાં 0.66 ફૂટની નવા નીરની આવક સાથે 53.39 ટકા ભરાયો છે. જ્યારે મચ્છુ-3 ડેમમાં આવક નથી પણ આ ડેમ 15 દિવસથી ઓવરફ્લો છે અને આ સિવાયના ડેમી -1, બંગાવડી અને ડેમી-3 ડેમમાં કોઈ આવક જ નોંધાઈ નથી.

- text