કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલા પાલિકા તંત્રને જગાડવા મહિલાઓએ થાળી વગાડી

- text


ભૂગર્ભ ગટર પ્રશ્ને પંચાસર રોડ વિસ્તારના મહિલાઓએ થાળી વેલણ લઈ પાલિકા ગજાવી

મોરબી : મોરબીના પંચાસર રોડ પરથી સોસાયટીમાં ગટર પ્રશ્ને મહિલાઓનો થાળી વેલણ સાથે નગરપાલિકામાં મોરચો માંડ્યો હતો.કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલા પાલિકા તંત્રને જગાડવા મહિલાઓએ થાળી વગાડી હતી અને ભૂગર્ભ ગટર પ્રશ્ને પંચાસર રોડ વિસ્તારના મહિલાઓએ થાળી વેલણ લઈ પાલિકા ગજાવી હતી. તેમજ જ્યાં સુધી ગટર સાફ કરવા ન આવે ત્યાં સુધી પાલિકામાંથી ન હટાવાની જીદ પકડી હતી.

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલી શિવમ સોસાયટીમાં ગટર ઉભરાવાના પ્રશ્ને થાળી પર વેલણ વગાડી નગરપાલિકાએ પહોંચીને નિભર તંત્રને ઢંઢોળવા પાલિકાને ગજાવી હતી. મહિલાઓના ટોળાએ પાલિકા તંત્ર સામે થાળી વગાડી ઉગ્ર રજુઆત કરતા કહ્યું હતું કે, તેમની સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાય છે. ભૂગર્ભ ગટર ઉભરાતા સોસાયટીમાં વગર વરસાદે ગંદા પાણીના સરોવર ભરાયેલા હોવાથી રોગચાળો ફેલાય છે. જો કે, એક મહિના પહેલા રજુઆત કરી છતાં કોઈ સફાઇ કરવા આવતું નથી, ગટરના પાણી ઘરમાં ઉભરાઈ છે , શૌચાલય પણ ગટરના પાણીથી ભરાયેલા છે , નહાઈ – ધોઈ પણ શકાતું નથી. તેવી મહિલાઓએ હૈયાવરાળ ઠાલવી હતી. ગટર ઉભરાવતબી મચ્છરનો ત્રાસ વધ્યો છે અને તેથી લોકો માંદગીમાં સપડાયા છે. નગરપાલિકાના પાપે રોગચાળો વકર્યો છે.

- text

ગટર ઉભરવાની મહિલાઓની રજુઆત સામે પાલિકાના ભૂગર્ભના અધિકારી બુચએ જણાવ્યું હતું કે હાલ ગટર ઉભરવાની ફરિયાદો ઘણી બધી છે અને ગટરની સમસ્યા પહોંચી વળવા સામે સ્ટાફ ઓછો છે. દરરોજ 17 થી 20 ભૂગર્ભ ગટર ઉભરવાની નગરપાલિકામાં ફરિયાદ આવે છે. પણ સ્ટાફ 13 કર્મચારીઓનો હોય ગટરની સમસ્યામાં પહોંચી વળી શકાતું ન હોવાનું કહીને હાથ ઊંચા કરી દેતા મહિલાઓ વધુ રોષે ભરાય હતી અને જ્યાં સુધી ગટર સાફ કરવા કોઈ ન આવે ત્યાં સુધી નગરપાલિકામાંથી નહિ હટવાનો ઉગ્ર નિર્ણય જાહેર કર્યો હતો. જો કે નગરપાલિકાના પાપે ઠેર-ઠેર ગટર ઉભરાય છે. ખુદ અધિકારીઓ જ કહે છે કે નગરપાલિકામાં ગટરની વધુ ફરિયાદ આવે છે. બાકી બીજા ઘણા વિસ્તારોમા ગટર ઉભરવાની ફરિયાદ નગરપાલિકાએ પહોંચતી નથી. કારણ કે આવી ફરિયાદ કર્યા બાદ પાલિકા કઈ ઉકાળી નહિ શકે તેવું ભૂતકાળના અનુભવથી જાણતા હોય લોકો ફરિયાદ કરવાનું ટાળે છે.

- text