અમૃતિયા પરિવારના અગ્રણી વલમજીભાઈનું નિધન, ધારાસભ્ય કાંતિલાલે શ્રદ્ધાંજલિ પાઠવી

- text


કાલે શનિવારે સવારે 8 થી 10 દરમિયાન બેસણું

મોરબી : જેતપર (મ.)ના અમૃતિયા પરિવારના ગૌરવ સમા, અમૃતિયા પરિવારના વટવૃક્ષ સમાન અને પાટીદાર સમાજના અગ્રણી એવા વલમજીભાઈ કાનજીભાઈ અમૃતિયાનું ગઈકાલે તારીખ 15 જૂનના રોજ જૈફ વયે અવસાન થયું છે. ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વલમજીભાઈ અમૃતિયાને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના કાર્યોને યાદ કર્યા છે.

કાંતિભાઈ અમૃતિયાએ ભારે હૈયે વલમજીભાઈ અમૃતિયા વિશે વાત કરતાં કહ્યું કે, ખૂબ જ કર્મઠ, સેવાભાવી, કુશળ વહીવટકર્તા અને સૌને સાથે લઈને ચાલનારા વલમજીભાઈનો ખેડૂત પરિવારના જન્મ થયો. વિપરીત સંજોગોમાં જે તે સમયે બી.એસસી. સુધીનું શિક્ષણ મેળવ્યું. થોડો સમય વિરાણી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી. જેતપર (મ.)થી જે તે સમયે સંખ્યાબંધ લોકો બિહાર ઝરીયા મુકામે ગયેલા તેમાં મારા દાદા પરસોત્તમ બાપાની સાથે વલમજીભાઈ અંદાજે એક દાયકો ઝરીયા રહ્યા. ત્યાંથી પરત ફરીને ગવર્મેન્ટ તથા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટના કામોને વ્યવસાય બનાવ્યો. જેતપુર (મ.) હાઇસ્કૂલના નિર્માણમાં સંપૂર્ણ દેખરેખ રાખી અને ટ્રસ્ટી બન્યા. ઓ.આર. પટેલ દ્વારા પ્રયોજિત વોટરશેડના કામોમાં સમગ્ર વિસ્તારમાં અત્યંત સક્રિય રહ્યા. મોરબી અને ટંકારા બંને જગ્યાએ કન્યા વિદ્યાલયના પ્રમુખ રહ્યા અને જીવનપર્યંત કન્યા કેળવણીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા. તેમને ક્યારેય નામનો પદનો મોહ નહોતો એ રીતે તેઓ નિર્મોહી અને અજાતશત્રુ હતા. તેમની વિદાયથી પટેલ સમાજે એક મોભી ગુમાવ્યો છે. તેમની ખોટ પૂરી શકાય તેમ નથી. તેમના સ્વપ્ન, તેમના લક્ષ્યને દીવાદાંડી માની તેમના પદ્ચિન્હો પર ચાલીએ એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.

- text

આ દુઃખદ સમયમાં કાંતિભાઈ અમૃતિયાએ પરિવાર પ્રત્યે સંવેદના પાઠવી દિલસોજી વ્યક્ત કરી છે અને પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે અને વલમજીભાઈના આત્માની શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી છે.

સદગતનું બેસણું તારીખ 17-6-2023 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે આરાધના એપાર્ટમેન્ટ, કૈલાશ સોસાયટી, શિશુમંદિર સ્કૂલ પાછળ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે શિવ હોલ, જેતપર મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text