મોરબીનો વાવડી રોડ નંદીઘરમાં ફેરવાયો

- text


પાલિકાની કૃપા વરસતા રસ્તે રઝળતા ઢોરના ત્રાસથી વાહન ચાલકોને પારવાર મુશ્કેલી

મોરબી : મોરબી પાલિકા દ્વારા નંદીઘર બંધ કરી દઈ શહેરમાં રસ્તે રઝળતા ઢોર માટે કોઈ વ્યવસ્થા ન ગોઠવતા શહેરનો વાવડી રોડ નંદીઘરમાં ફેરવાયો છે. વાવડી રોડ ઉપર જાણે ગૌશાળા હોય એ હદે ગાય-ખુટિયાનો અડીંગો હોવાથી સામાન્ય વાહન પણ ન નીકળી શકે તેટલી જગ્યા બચી નથી. રઝળતા ઢોરના ત્રાસથી વાહન ચાલકોને પારવાર મુશ્કેલી પડી રહી છે.

મોરબીમાં રઝળતા ઢોરનો પ્રશ્ન વર્ષોથી સળગતો છે. દરેક માર્ગો અને શેરી ગલીમાં રઝળતા ઢોરનો અડીંગો હોવા છતાં નીંભર તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. ત્યારે રઝળતા ઢોરોએ હવે માજા મૂકી છે. શહેરના હાર્દ સમાન વાવડી રોડ ઉપર તો જાણે ગૌશાળા હોય તેમ ગાયો અને ખુટિયાઓ અડિંગો જમાવીને બેઠા છે. ત્યારે સવાલ એ થાય છે કે આ તે ઢોરવાડો છે કે જાહેર માર્ગ ? અહીંના જાગૃત નાગરિક કહે છે કે, વાવડી રોડ ઉપર ગાયો અને ખુટિયાઓનું ધણ ઉતરી આવ્યું હોય એમ આ ઢોરોએ આખો રોડ બાનમાં લીધો છે.

- text

વાવડી રોડ ઉપર સંખ્યાબંધ ગાયો અને ખુટિયા ઉભેલા કે બેઠેલા હોય એક બાઈક કે કાર જેવું વાહન પણ નીકળી શકે તેવી જગ્યા બચી નથી. વાવડી રોડ સતત હજારો વાહનોથી ધમધમતો રહે છે. કોઈ આડશ ન હોય તો પણ આ રોડ ઉપર ભારેખમ ટ્રાફિક રહે છે. ત્યારે વાવડી રોડ ઉપર હવે ઢોરનો સમૂહ ઉતરી પડતા વાહન ચાલકોને ભારે મુસીબત વેઠવી પડી રહી છે. તંત્ર આ બાબતે ગંભીર પગલાં ભરે તેવી વાહન ચાલકોએ માંગ ઉઠાવી છે.

- text