વાલીઓએ ચેતવા જેવું : 8 વર્ષના બાળકને આંચકી શરૂ થઈ, તપાસ કરતા માલુમ પડ્યું કે મગજમાં ડેમેજ!

 

આ બાળકને ચાલતા -બોલતા બધુ શીખતાં વિલંબ થયો છતાં વાલીમાં જાગૃતતાના અભાવે બાળક 8 વર્ષનો થયો ત્યાં સુધી ક્યારેય તે અંગે ક્યારેય નિદાન ન કરાવ્યું, બાદમાં કેસ જટિલ બની ગયો
અકાળે જન્મેલા, ઓછા વજનવાળા, લાંબા સમય સુધી NICUમાં દાખલ હોય, વેન્ટિલેટર પર હોય તેવા બાળકોમાં સહેજ પણ કઈ શંકાસ્પદ લાગે તો તુરંત બાળ રોગ નિષ્ણાંત પાસે નિદાન કરાવવા પીડિયાટ્રીશિયન ડો. અમિત ઘુલેની સલાહ

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના વાલીઓએ ચેતવા જેવી બાબત છે. જ્યારે નવજાત શિશુનો સમય કરતાં વહેલો જન્મ થયો હોય, લાંબો સમય હોસ્પિટલમાં દાખલ રહ્યું હોય આવા અનેક કિસ્સા બાદ જ્યારે બાળકમાં કોઈ પણ નાની એવી પણ ફરિયાદ રહે તો તુરંત બાળ રોગ ચિકિત્સક પાસે એક વખત તો નિદાન જરૂર કરાવવું જોઈએ. કારણકે અત્યારે મેડિકલ ક્ષેત્ર ઘણું આગળ વધ્યું હોય, વહેલા સર કોઈ પણ દર્દનો ઈલાજ શક્ય છે પણ મોડું થયે કેસ હાથમાંથી ચાલ્યો જાય છે.

મોરબીની સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે એક આવો જ કેસ આવ્યો છે. જ્યાં 8 થી 9 વર્ષના યોગેશ નામના બાળકને લાવવામાં આવ્યો હતો. જેને લગભગ એક દિવસથી આંચકીની ફરિયાદ હતી. તે મોરબી શહેરથી લગભગ 40 કિમી દૂર એક ગામમાં રહે છે.

અહીંના પીડિયાટ્રીસીઅન ડો. અમિત ઘુલેએ બાળકની હિસ્ટ્રી પૂછતાં વાલીએ જણાવ્યું હતું કે બાળક 2 વર્ષની ઉંમર પછી યોગ્ય રીતે બેસવાનું શીખ્યો હતો. 2 થી 3 વર્ષની ઉંમરે ચાલવાનું શીખ્યો હતો અને 3 વર્ષની ઉંમર પછી બોલવાનું શીખ્યો હતો. બાળકનો જન્મ થયો ત્યારે 10 દિવસ માટે મોરબીની એક હોસ્પિટલમાં NICUમાં દાખલ કરવામાં આવ્યો હતો, ઘરે પરત ફર્યા બાદ તેઓએ ક્યારેય કોઈ હોસ્પિટલમાં તપાસ કરાવી ન હતી.

બાળરોગ ચિકિત્સક ડો. ઘુલેને પોતાના અનુભવના આધારે આ બાળકના મગજમાં ગંભીર નુકસાન પહોંચ્યું હોવાનું જણાય આવ્યું હતું. તેઓને આ વેળાએ જ પુણેમાં એક વર્કશોપમાં હાજરી આપવાની હોય તેઓએ આ બાળકને રાજકોટ ખાતે EEG, MRI સહિતના રિપોર્ટ અને પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટની સલાહ માટે વાલીને મોકલ્યા હતા. ત્યારબાદ રાજકોટના ન્યુરોલોજીસ્ટનો ફોન આવ્યો જેમાં જાણ કરવામાં આવી હતી કે યોગેશને દ્વિપક્ષીય મગજને નુકસાન થયું છે જેના કારણે આંચકી ઉપડે છે. અને ભવિષ્યમાં પણ તે ચાલુ જ રહેશે. તબીબી નિષ્કર્ષ મુજબ જ્યારે તે માતાના ગર્ભાશયમાં હતો ત્યારે તેના મગજને સતત નુકસાન થઈ શકયુ હોય? અથવા જ્યારે તે બીમાર હતો અને NICU દાખલ હતો અને પછી નુકસાન થયું હોય શકે છે.

આ મામલે ડો. અમિત ઘુલેએ જણાવ્યું કે જ્યારે બાળકના વિકાસમાં વિલંબ થયો ત્યારે માતાપિતાએ બાળરોગ ચિકિત્સકનો સંપર્ક કરવો જોઈતો હતો. સ્વાભાવિક છે કે બાળકના સ્વાસ્થ્ય મામલે આપણે હજુ જોઈએ તેટલી જાગૃતિ આવી નથી. તેઓએ ઉમેર્યું કે આ બનાવ બન્યો ત્યારે પુણે ખાતે તેઓ જે વર્કશોપમાં ગયા હતા. ત્યાં તેઓએ ભારતીય શિશુઓ માટે વિકાસલક્ષી મૂલ્યાંકન સ્કેલ” DASII (DEVELOPMENTAL ASSESMENT SCALES IN INDIAN INFANT)ની તાલીમ મેળવી હતી. જેમાં કોઈપણ શિશુ તેના વિકાસના તમામ પાસાઓમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે એક વિગતવાર અને વ્યાપક કસોટી છે. KEM પુણે અને TDH પુનર્વસન કેન્દ્ર એ ભારતમાં પસંદગીના કેન્દ્રોમાંનું એક છે જેમાં સમગ્ર ભારતમાંથી 22 તાલીમાર્થીઓ હતા.

આ તાલીમમાં સ્પષ્ટ સંદેશ મળ્યો. બધા બાળકો કે જેઓ અકાળે જન્મેલા, ઓછા વજનવાળા, જેઓ લાંબા સમય સુધી એનઆઈસીયુમાં દાખલ હતા, જ્યાં વેન્ટિલેટર પર હતા, ઓક્સિજન મેળવતા હતા, જેઓનું બિલીરૂબિનનું સ્તર ઊંચું હતું, તેઓનું ઓછામાં ઓછા 2 વર્ષની ઉંમર સુધી ન્યુરો ડેવલપમેન્ટના માઈલસ્ટોનનું સમયસર મૂલ્યાંકન જરૂરી છે.

આ અંગે ડો. ઘુલે જણાવે છે કે મગજનો મહત્તમ વિકાસ પ્રથમ 3 વર્ષની વય જૂથમાં થાય છે. મગજની અંદરના નાના નાના કોષો સતત નવા જોડાણો બનાવે છે જેને “સાયનેપ્સ” કહેવાય છે. નવજાત મગજને આંખ, કાન, સ્પર્શ, ગુરુત્વાકર્ષણ, સ્નાયુઓના ખેંચાણમાંથી જે કંઈ પણ ઇનપુટ્સ પ્રાપ્ત થાય છે, તે વધુને વધુ સિનેપ્સ બનાવવામાં મદદ કરે છે અને મગજના વિકાસમાં મદદ કરે છે. મગજના અમુક ભાગને સમયસર નુકસાન થાય તો પણ, ઉપચાર અને ઉત્તેજના મગજના વિકાસમાં મદદ કરી શકે છે. પરંતુ બધું યોગ્ય સમયે શરૂ થવું જોઈએ.

અંતમાં ડો. ઘુલે જણાવે છે કે હાલ યોગેશની ટ્રીટમેન્ટ તેની પાસે ચાલે છે. તમામ માતાઓ/સગર્ભાઓને એક નાની સલાહ છે કે મમતા કાર્ડ જે તમામ સગર્ભા માતાઓને આપવામાં આવે છે તે માતાઓને ગુજરાતી ભાષામાં સચિત્ર અને સરળ માર્ગદર્શિકા આપે છે તેને ગંભીરતાથી લેવી અને અકાળે જન્મેલા, ઓછા વજનવાળા, જેઓ લાંબા સમય સુધી એનઆઈસીયુમાં દાખલ હોય, વેન્ટિલેટર પર હોય તેવા બાળકોમાં સહેજ પણ શંકાસ્પદ લાગે તો તુરંત કોઇ પણ બાળરોગ નિષ્ણાંતને બતાવવું જોઈએ.

(આ લેખ બાળકોના સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ ફેલાવવાના સેવાકીય ઉદ્દેશ સાથે રજૂ કરાયો છે)

ડો. અમિત ઘુલે
(કન્સલ્ટન્ટ પીડિયાટ્રીશિયન)
સદભાવના ચેરી. ટ્રસ્ટ સંચાલિત કે.એન. વોરા જનરલ હોસ્પિટલ
મોરબી
મો.નં.99044 64036
[email protected]