ચાર્જરના રૂપિયા અલગથી લેવા ઓલા કંપનીને ભારે પડ્યા : 130 કરોડ રિફંડ ચુકવવા પડશે

- text


મોરબી : ઈલેક્ટ્રિક સ્કૂટરનું ઉત્પાદન કરતી કંપની ઓલા ઈલેક્ટ્રિકએ સ્વીકાર્યું છે કે તેણે લગભગ એક લાખ જેટલા સ્કૂટર ખરીદદારોને ઓફ-બોર્ડ ચાર્જર વેચ્યા છે. હવે તે આ ચાર્જરના રૂપિયા રિફંડ આપવા માટે તૈયાર છે. ઓલાએ એ પણ સ્વીકાર્યું છે કે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ હેઠળ સરકારે તેની સબસિડીની ચુકવણી અટકાવી દેતા ઓલા કંપનીએ 130 કરોડ રૂપિયા ગ્રાહકોને ચૂકવવા તત્પરતા દાખવી છે.

આઇએમ ગુજરાતના અહેવાલ મુજબ ઓલા ઈલેક્ટ્રિક સામે તેના ઈલેક્ટ્રિક ટુ વ્હીલર્સના ભાવને મિસપ્રાઈસ કરવાનો આરોપ લાગ્યા પછી તેની સામે સરકારે તપાસ કરી હતી. હવે આ કંપની ચાર્જર માટે અલગથી લેવામાં આવેલો ખર્ચ ભરપાઈ રિફંડ કરી આપવા સહમત થઈ છે. ઓલાએ લગભગ એક લાખ ગ્રાહકોને કુલ 130 કરોડનું વળતર આપવું પડશે. આ ગ્રાહકોએ 30 માર્ચ 2023 સુધીમાં ઓલા એસ વન પ્રો ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યા હતા. આ મુદ્દે સરકારે ઓલાની 500 કરોડની સબસિડીનું પેમેન્ટ અટકાવી રાખ્યું હતું.

હેવી ઈન્ડસ્ટ્રી મંત્રાલયે હીરો ઈલેક્ટ્રિક વ્હીકલ્સ હીરો ઇલેક્ટ્રિક વ્હિકલની લગભગ 133 કરોડની રિકવરી માટે નોટિસ ફટકારી તેના એક દિવસ પછી ઓલા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ 133 કરોડની રિકવરી ઉપરાંતે તેના પર દંડરૂપે વ્યાજ પણ ભરવાનું આવશે. સરકારે ઓકિનાવા ઓટોટેકને પણ 116 કરોડનો દંડ કર્યો છે.

- text

ઓલા ઈલેક્ટ્રિકે મંત્રાલયને જણાવ્યું કે જે ગ્રાહકોએ તેના સ્કૂટર ખરીદતી વખતે એક્સેસરી તરીકે ચાર્જર ખરીદ્યું હશે તેમને ઓફ-બોર્ડ ચાર્જરના રૂપિયા રિફંડ કરી આપવામાં આવશે. જોકે, ઓલાએ કહ્યું છે કે ચાર્જર એ એક વૈકલ્પિક એક્સેસરી છે અને વાહનનો અભિન્ન હિસ્સો નથી. માર્ચ મહિનાથી તેણે એક્સ-ફેક્ટરી પ્રાઈસ તરીકે ઓફ-બોર્ડ ચાર્જરનો ઉમેરો કર્યો છે અને સરકાર દ્વારા 500 કરોડ રિલિઝ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

- text