હખણા રીયે ઈ બીજા ! થાઈલેન્ડમાં જુગાર રમતા 80 ભારતીયોની ધરપકડ

- text


પત્તાયાની લક્ઝરી હોટેલમાં અડધી રાત્રે પોલીસનો દરોડો

બેંગકોક : થાઈલેન્ડના પત્તાયામાં જુગાર રમતા 80 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે સોમવારે પત્તાયાની એક હોટેલમાં જુગાર રમવાની જાણ થઈ હતી. આ દરમિયાન પાડવામાં આવેલા દરોડામાં 80 ભારતીય જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. પત્તાયાની આ હોટેલ પર મધ્યરાત્રિની આસપાસ દરોડો પાડવામાં આવ્યો હતો. 27 એપ્રિલથી 1 મે સુધી આ હોટેલમાં ઘણા ભારતીય નાગરિકોએ રૂમ બુક કર્યા હોવાની બાતમી મળ્યા બાદ દરોડો પાડવામાં આવ્યો હતો. તેમણે જુગાર રમવા માટે મીટિંગ રૂમ પણ ભાડે રાખ્યો હતો.

આઇએમ ગુજરાતના અહેવાલ મુજબ પોલીસ મધ્યરાત્રિએ હોટેલ પર પહોંચી, ત્યારે મોટી સંખ્યામાં જુગારીઓ બક્કારા અને બ્લેકજેક રમતા જોવા મળ્યા. પોલીસને જોઈને તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં. પોલીસે 93 લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 83 ભારતીય, 6 થાઈ અને 4 મ્યાનમારના નાગરિકો છે. ધરપકડ કરાયેલા 93માંથી 80 ભારતીય જુગારીઓ હતા જ્યારે અન્ય તેના આયોજકો અને સ્ટાફ હતા.

પોલીસે ચાર બેકારેટ ટેબલ, ત્રણ બ્લેકજેક ટેબલ, કાર્ડના 25 સેટ, 209215000 ચિપ્સ, 160000 ભારતીય રૂપિયા, આઠ ક્લોઝ-સર્કિટ કેમેરા, 92 મોબાઈલ ફોન, ત્રણ નોટબુક કોમ્પ્યુટર, એક આઈપેડ અને ત્રણ કાર્ડ ડીલર મશીનો જપ્ત કર્યા હતા. એક લોગબુક પણ જપ્ત કરવામાં આવી હતી જેમાં જુગારની ક્રેડિટ રેકોર્ડ કરાયા હતા. આ ઉપરાંત નશા માટેના ચાર આધુનિક હુક્કા પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

- text

પોલીસે જણાવ્યું કે આ ઘટનાની માસ્ટરમાઈન્ડ 32 વર્ષીય યુવતી હતી. તેણે કબૂલ્યું હતું કે તેણે જુગાર રમવા માટે જગ્યા અને જુગારીઓને રહેવા માટે રૂમની વ્યવસ્થા કરી હતી. તેણે એ પણ ખુલાસો કર્યો કે જુગારમાં ભાગ લેવા માટે દરેક ભારતીય પ્રવાસી પાસેથી 50,000 બાહ્ટ લેવામાં આવ્યા હતા. જુગાર માટેનો ઓરડો 120,000 બાહ્ટ પર ભાડે આપવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે જુગારીઓને ભોજન અને રૂમ સર્વિસ આપવા માટે થાઈ માણસને પૈસા આપવામાં આવ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે જુગારનો તમામ સામાન ભારતમાંથી લાવવામાં આવ્યો હતો.

- text