દંડા વાળા નહિ દયા વાળા પોલીસ દાદા ! મોરબીમાં છે અનોખા દયાળુ ટ્રાફિક પોલીસમેન

- text


લોકો પાસે પ્રેમથી ટ્રાફિક નિયમન કરાવી નોકરીની સાથે કરે છે હજારો અબોલજીવોની સેવા

મોરબી : પોલીસ નામ સાંભળતા જ ખાખીનો ખૌફ નજર સમક્ષ આવી જાય છે…. આપણા માનસપટ્ટ ઉપર પોલીસ નામ સાંભળતા જ દંડા વાળા કે દંડની પહોંચ આપતા પોલીસમેનની છબી દેખાવા લાગે છે પરંતુ મોરબીની રવાપર ચોકડીએ ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ દેવજીભાઈ બાવરવા જરા હટકે છે, લોકો પાસે પ્રેમથી ટ્રાફિક નિયમન કરવવાની સાથે તેઓ દરરોજ હજારો અબોલ પશુપક્ષીઓની જઠરાગ્નિ ઠારી દંડા વાળાને બદલે દયાળુ પોલીસ દાદાની નામના મેળવી છે.

સાંકડા રસ્તા અને વાહનોની ભરમાર વચ્ચે મોરબીમાં ટ્રાફિક પ્રશ્ન પેચીદો છે, વહેલી સવારથી મોડીરાત્રી સુધી ટ્રાફિકથી ધમધમતા માર્ગો ઉપર ટ્રાફિક નિયમન ખૂબ જ અઘરું છે, પરંતુ મોરબીની રવાપર ચોકડીએ ફરજ બજાવતા મૂળ મોરબી જિલ્લાના જ બરવાળા ગામના વતની દેવજીભાઈ ધનજીભાઈ બાવરવા જરા હટકે છે, નામ એવા જ ગુણ એટલે કે દેવજીભાઈ અબોલ પશુ પક્ષીઓ માટે દેવ જેવા જ છે તેઓ ઈમાનદારીથી પોતાની ફરજ બજાવવાની સાથે પોતાના ટ્રાફિક પોઇન્ટ ઉપર પક્ષીઓને ચણ નાખવાનું ક્યારેય ચૂકતા નથી.

દેવજીભાઈ બાવરવા કહે છે કે, ઉપરી અધિકારીથી ડરીને નહિ પણ ઉપરવાળાનો ડર રાખીને ઈમાનદારીથી નોકરી કરવાની, તેઓ ઉમેરે છે કે, રાજકોટમાં અઠિયાવીસ વર્ષ અને મોરબીમાં છ વર્ષથી નોકરી કરું છું અને પુરી ઈમાનદારીથી ફરજ બજાવવાની સાથે લોકો પાસે પ્રેમથી કાયદાનું પાલન કરાવવાનું.

પોલીસમેન હોવા છતાં જરાપણ રુઆબ કે, દમ બતાવ્યા વગર દેવજીભાઈ દરરોજ નિત્યક્રમ પ્રમાણે સમયસર ટ્રાફિક પોઇન્ટ ઉપર હાજર થઈ ટ્રાફિક પોઇન્ટની નજીક જ બનાવેલ ચબૂતરામાં અવિરત પણે ચણા, મગ, સીંગદાણા, મકાઈ અને જુવાર સહિતની વસ્તુઓ પક્ષીઓને ચણમાં ખવડાવે છે.સાથે જ તેઓ ગૌમાતા અને અન્ય પશુઓને નિરણ નિરવાનું કામ પણ સ્વખર્ચે કરે છે.

દેવજીભાઈ અંતમાં ઉમેરે છે કે, તેમનું આ અવિરત સેવા કાર્ય જોઈ મોરબીના અનેક ઉદ્યોગપતિઓ તેમને ચણ માટે જેટલો જોઈએ તેટલો ખર્ચ આપવાનું કહે છે અને આ સેવા કાર્ય નિરંતર ચલાવવા માટે પ્રેરણા આપે છે, જો કે, તેઓ કહે છે કે, જો કોઈ પ્રેમથી ચણ માટે દાન આપે તો તેઓ અલગથી પૈસા સાચવી રાખે છે અને ભૂલથી પણ પૈસા વપરાય તો ડબલ પૈસા ચણ માટે નાખી દે છે, આમ, મોરબીમાં દંડ વાળા નહિ પણ દયા વાળા પોલીસ દાદા દેવજીભાઈ ખરા અર્થમા પોલીસ પ્રજાના જ નહીં પણ પશુપક્ષીના મિત્ર હોવાના સૂત્રને સાર્થક કરી રહ્યા છે.

- text

- text