ઉંદરનું મર્ડર ! પોસ્ટમોર્ટમ, ચાર્જશીટ અને ધરપકડ

- text


ઉત્તરપ્રદેશના બદાયું જિલ્લાના ચોંકાવનારા કિસ્સામાં કાનૂની કાર્યવાહી

મોરબી : ઉત્તર પ્રદેશમાં ઉંદરની હત્યા કરવા બદલ આરોપીની ધરપકડ કરવામાં આવી હોય એવો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં ઉંદરની હત્યા કરવા બદલ આરોપીની પણ ધરપકડ કરી, ઉંદરનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું અને કોર્ટમાં 30 પાનાનું ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવ્યું છે. જો કે, હજુ સુધી આ કેસ શરુ થયો નથી.

આઇએમ ગુજરાતના અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશના બદાયુ વિસ્તારમાં નવેમ્બર-2022માં એક શખ્સે ઉંદર પકડવાના પિંજરામાં ઉંદરને પકડી, ઉંદરની પૂછડી પર પ્લાસ્ટિકની દોરી બાંધી અને તેની સાથે એક વજનદાર પથ્થર બાંધ્યો હતો અને બાદમાં આ વિકૃત શખસ તેને નાળાના પાણીમાં ડૂબાડતો અને પછી બહાર કાઢતો હતો આ શખ્સની હરકત જોઈ આ વિસ્તારમાં રહેતા પશુ પ્રેમી વીકેન્દ્ર શર્મા ત્યાંથી પસાર થતા ઉંદર સાથે આવી ક્રૂરતા જોઈ તેઓએ આ શખ્સને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ તેઓએ આ શખ્સ પાસેથી ઉંદરને છોડાવ્યો તો ખરા પણ ત્યાં સુધીમાં તો તેનું મોત થઈ ચૂક્યું હતું.

ઉંદર પ્રત્યેની આ ક્રૂરતાને લઈ વીકેન્દ્ર શર્માએ આ શખ્સ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તે ઉશ્કેરાઈ ગયો હતો. તેણે કહ્યું કે, હું પહેલાં પણ આવું કરતો હતો અને ભવિષ્યમાં પણ કરતો રહીશ. આ વાત સાંભળીને વીકેન્દ્ર શર્મા મૃત્યુ પામેલા ઉંદરને લઈને બદાયુ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. તેઓએ પોલીસ સ્ટેશનમાં હાજર કર્મચારીઓને આ મામલે કેસ દાખલ કરવાની વાત કરી. તેમની વાત સાંભળીને પોલીસ સ્ટેશનમાં હાજર કર્મચારીઓ પહેલાં હસવા લાગ્યા. પરંતુ વીકેન્દ્ર કેસ નોંધવવા માટે અડગ રહ્યા. પોલીસકર્મીઓને ગુસ્સો પણ આવ્યો. પોલીસ કર્મચારીઓએ એવું પણ કહ્યું કે, પોલીસવાળાઓએ હવે ઉંદરની મોતનો ગુનો પણ નોંધવો પડશે.

વીકેન્દ્ર શર્માએ પોલીસ સાથે લગભગ ત્રણ કલાક સુધી માથાકૂટ કર્યા બાદ ઉપરી અધિકારને ફોન કરીને આખી ઘટના વર્ણવી. એ પછી 24 નવેમ્બરના રોજ ઉંદરના મોત બદલ પોલીસે એફઆરઆઈ દાખલ કરી. એફઆરઆઈ દાખલ થયા બાદ વીકેન્દ્રએ એવું કહ્યું કે, ઉંદરનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે. આ સાંભળીને તો પહેલાં પોલીસ કર્મચારીઓને પણ ચક્કર આવી ગયા. આખરે હારી કંટાળીને 24 નવેમ્બરની સાંજે એક પોલીસ કોન્સ્ટેબલ સાથે વીકેન્દ્ર મૃત ઉંદરને લઈને બદાયુની પશુ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

જ્યારે ડૉક્ટરોને સમગ્ર હકીકત જણાવવામાં આવી તો તેઓએ એવું કહીને વાત ટાળી કે હોસ્પિટલમાં રાત્રે પોસ્ટમોર્ટમ થતું નથી. આ સાંભળીને વીકેન્દ્રએ એવી દલીલ કરી કે બીજા દિવસે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવે અને પોતાની કસ્ટડીમાં ઉંદરને રાખવામાં આવી. આ વાત સાંભળીને ડૉક્ટરોએ બીજી સ્ટોરી સંભળાવી કે અમારી હોસ્પિટલમાં ક્યારેય ઉંદરનું પોસ્ટમોર્ટમ થયુ નથી. અમને ક્યારેય ઉંદર વિશે ભણાવવામાં આવ્યું નથી. જેથી તમે ઉંદરની લાશ બરેલીમાં આવેલા IVRI પશુ ચિકિત્સાલયમાં લઈ જાવ.

- text

જો કે, મામલો બીજા જ્યુરિડિક્શનનો હતો. જેથી વીકેન્દ્રએ ડૉક્ટરોને રેફરલ લેટર આપવાની વાત કરી. બાદમાં ડૉક્ટરોએ રેફરલ લેટર પણ આપી દીધો. હવે મુશ્કેલી એ હતી કે રાત થઈ ચૂકી હતી. પોસ્ટમોર્ટમ બીજા જ દિવસે થવાનું હતું. તો આખી રાત દરમિયાન ઉંદરની લાશને ક્યાં અને કેવી રીતે રાખવામાં આવે, એ પણ એક પ્રશ્ન હતો. બદાયુ પશુ ચિકિત્સાલયે લાશ લેવાનો ઈનકાર કર્યો. પોલીસને પણ આ કેસમાં કોઈ અનુભવ નહોતો. બીજી તરફ, વીકેન્દ્રને ડર હતો કે, આ કેસથી પીછો છોડાવવા માટે પોલીસ કર્મચારીઓ ઉંદરની લાશને ક્યાંક ફેંકી પણ શકે છે, કે પછી બિલાડીને તેનો ખોરાક બનાવી શકે છે.

વીકેન્દ્ર મૃત ઉંદરને પોતાના ઘરે લઈ જાય છે. ઉંદરને ઘરે લાવ્યા બાદ વીકેન્દ્ર ફ્રીજમાંથી આઈસ ક્યૂબ બહાર કાઢે છે. આ આઈસ ક્યૂબ તે એક ડબ્બામાં રાખે છે અને પછી તેની વચ્ચે ઉંદરને મૂકી દે છે. બીજા દિવસે એટલે કે 25 નવેમ્બરના રોજ ઉંદરની લાશ લઈને બદાયુથી 60 કિલોમીટર દૂર આવેલા બરેલીના પશુ ચિકિસ્તાલયમાં પહોંચે છે. આમ તો લાશને અહીં પહોંચાડવાની જવાબદારી પોલીસ કર્મચારીની હતી. એટલે વીકેન્દ્ર સાથે એક પોલીસ કર્મચારીને બરેલી જવા માટે કહેવામાં આવ્યું હતું અને એ પણ બાઈક પર.

પોલીસકર્મીઓ પણ બજેટને લઈને વીકેન્દ્રને હાથ જોડે છે. હવે મજબૂરીમાં વીકેન્દ્ર 1500 રુપિયામાં બદાયુથી બરેલી સુધી માટે એક ટેક્સી બુક કરાવે છે. એ પછી એ ટેક્સીમાં પોલીસ કર્મચારી સાથે આઈસબોક્સમાં ઉંદરની લાશ મૂકીને બરેલીના પશુ ચિકિત્સાલયમાં પહોંચે છે. અહીં પહોંચ્યા બાદ વીકેન્દ્ર પોતાના ખિસામાંથી અઢીસો રુપિયાની પાવતી ફડાવે છે. રેફરલ લેટર પણ તેની પાસે હોય છે. એટલે ડૉક્ટરો પણ ઉંદરની લાશ મેળવવા અને પોસ્ટમોર્ટમ માટે તૈયાર થઈ જાય છે.

ચાર પાંચ દિવસો બાદ બરેલુ પશુ ચિકિત્સાલયમાંથી એક બંદ કવરમાં બદાયુ પોલીસ સ્ટેશનને ઉંદરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, ઉંદરનું મોત પાણીમાં ડૂબવાથી અને શ્વાસ રુંધાવાથી થયું હોવાનું ખૂલ્યું. રિપોર્ટમાં કહેવમાં આવ્યું કે, પાણીમાં ડૂબવાના કારણે ઉંદરના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું અને તેમાં સોજો પણ હતો. જેના કારણે તેનું લીવર પણ સંક્રમિત થઈ ગયું હતું.આમ, ઉંદરની હત્યા, એફઆરઆઇ, પોસ્ટમોર્ટમ, આરોપીની ધરપકડ અને ચાર્જશીટનો મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

- text