મોરબી સબ જેલમાં ટ્રીપલ મર્ડરના કેસના કેદીનું સારવારમા મોત

- text


પગમાં સોજા ચડી ગયા બાદ મોરબી સિવિલમાંથી રાજકોટ ખસેડતી વખતે દમ તોડી દીધો

મોરબી : મોરબી સબજેલમાં ટ્રિપલ મર્ડર કેસમાં સજા ભોગવતા કાચા કામના કેદીનું આજે મોત નીપજ્યું હતું. આ કેદીએ સવારે પગમાં સોજો ઉપડયાની ફરિયાદ કરતા તેને સારવાર અર્થે મોરબી સિવિલમાં ખસેડાયો હતો. જ્યાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડતી વખતે આ કેદીનું મોત નીપજ્યું હતું.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના બોરીયા પાટી વિસ્તારમાં વર્ષ 2018 માં બનેલા 302 એટલે કે, ટ્રિપલ મર્ડર કેસમા શિવાભાઈ રામજીભાઈ ડાભી ઉ.વ.60 નામનો કેદી મોરબીમાં સબ જેલમાં બેરેક નંબર-5માં સજા ભોગવતો હતો. અગાઉ તેઓએ બે વર્ષ સજા ભોગવ્યા બાદ જામીન મળ્યા હતા પણ પછીથી હાઈકોર્ટમાં જામીન રદ થતા ફરી આ કેદીને ડિસેમ્બર 2022માં મોરબીની સબ જેલમાં ધકેલાયો હતો. આ કેદી ગત તા.23-8-2018ના રોજ હત્યા કેસમાં મોરબી સબજેલમાં ખસેડાયો હતો અને તા.20-10-20ના રોજ જામીન પર મુક્ત થયો હતો. બાદમાં 17-12-22 સુધી જામીન પર હોય હાઇકોર્ટેમાં જામીન રદ થતા 18-12-22ના રોજ ફરી જેલમાં આવ્યો હતો.

વધુમાં છેલ્લા ચાર મહિનાથી મોરબી સબજેલમાં રહેલા આ કેદીને આજે સવારે અચાનક કોઈ કારણોસર પગમા સોજો ચડી ગયાની ફરિયાદ કરતા જેલના સતાવાળાઓએ તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તબીબે આ કેદીને રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડવાનું કહેતા તેને રાજકોટ ખસેડાઇ તે પૂર્વ જ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સબ જેલના જેલર ચાવડા, એ ડિવિઝન પીઆઇ જાડેજા, ડેપ્યુટી કલેકટર ડી.એ.જાડેજા સહિતના અધિકારીઓએ સિવિલી દોડી ગયા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. આ કેદીને હાલમાં રાજકોટમાં ફોરેન્સિક પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્યારે પીએમ રિપોર્ટમાં આ કેદીના મોતનું સાચું કારણ બહાર આવશે.

- text

- text