મોરબીમાં મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ

- text


મોરબી નગરજનો સાથે કલેક્ટર સહિતના અધિકારીઓ ઉત્સાહભેર થયા સહભાગી

મોરબી : લોકસભાની ચૂંટણી અન્વયે યોજાનાર મતદાનને હવે ગણતરીનો સમય જ બાકી છે ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટે લોકોને જાગૃત કરવા માટે અવનવા કાર્યક્રમો અને આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અન્વયે આજે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું.

વહેલી સવારે યોજાયેલી રન ફોર વોટ અન્વયે દોડમાં મોરબીના નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓ પણ જોડાયા હતા. વોટ માટે દોટ મૂકી સૌ અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ બન્યા હતા તેમજ અન્ય લોકોને પણ જાગૃત કર્યા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ આ બાબતે જણાવ્યું હતું કે, સ્વીપ કામગીરીના ભાગરૂપે આજે મોરબીમાં રન ફોર વોટનું એક આયોજન કરવામાં આવ્યું છે. 7મી મેના રોજ મોરબી, ટંકારા અને વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લાના 18 વર્ષ ઉપરના તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાનની આ પવિત્ર ફરજ અવશ્ય અદા કરે તેવા શુભ આશયથી મોરબીમાં રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી વાસીઓ ઉત્સાહભેર આ આયોજનમાં સહભાગી બન્યા છે તે માટે હું જિલ્લા કલેક્ટર તરીકે સૌનો આભાર વ્યક્ત કરું છું અને મોરબી જિલ્લો 100 ટકા મતદાન સાથે આખા દેશમાં પ્રથમ આવે તેવી અભ્યર્થના રાખું છું.

મોરબીના ઉમિયા સર્કલ થી શરૂ કરી રવાપર ચોકડી સુધી 1500 મીટર જેટલા અંતરમાં મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટ અન્વયે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌએ નારા, બેનર, પોસ્ટર, ફ્લેગ વગેરે દ્વારા લોકોને અવશ્ય મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.

રન ફોર વોટમાં મોરબી જિલ્લાના નાગરિકો સાથે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરીયા, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા, મોરબી તાલુકા વિકાસ અધિકારી પી.એચ. ડાંગર, મોરબી સિટી મામલતદાર જસવંતસિંહ વાળા, મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતા, સિવિલ સર્જન કે.આર. સરડવા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, એ વન સ્પોર્ટ એકેડમી, યુનિક સ્પોર્ટ એકેડમી તેમજ ન્યુ એરા સ્કૂલના વિદ્યાર્થીઓ, જિલ્લા રમત ગમત કચેરી હેઠળના ખેલાડીઓ તેમજ અન્ય ખેલાડીઓ અને પત્રકારો આ આયોજનમાં જોડાયા હતા.ચૂંટણી વિભાગના મામલતદાર જાવેદ સિંધી, નાયબ મામલતદાર આર.જી. રતન, અપૂર્વ સોલંકી સહિતના સ્ટાફ દ્વારા આ આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text

- text