મોરબી પાલિકાને વ્યાજમાફી ફળી : રૂ.19.19 કરોડની વેરા વસુલાત

- text


ચાલુ વર્ષમાં 80 ટકાથી વધુ વેરા વસુલાત : સામાન્ય લોકોએ કરવેરા ભર્યા પરંતુ સરકારી કચેરીઓનું વેરો ભરવામાં ઊંહું

મોરબી : માર્ચ એન્ડીગની સાથે મોરબી નગરપાલિકાનું ગત નાણાકીય વર્ષ પૂરું થતા કરવેરામાં નગરપાલિકાની તિજોરી છલકાઈ છે. ગત વર્ષ કરતા પણ આ વર્ષે કરવેરાની જંગી આવક થઈ છે. ખાસ તો છેલ્લા દોઢ માસથી લાગુ કરેલી વ્યાજમાફીની યોજનાને કારણે ધાર્યા કરતાં પણ કરવેરાની જંગી વસુલાત થઈ છે. જેમાં નગરપાલિકાને કરવેરાની રૂ.19.19 કરોડના કરવેરાની આવક થઈ છે.

મોરબી નગરપાલિકાએ ગત 31 માર્ચ સુધી નાણાકીય વર્ષ પૂરું થવાની છેલ્લી ઘડી સુધી કરવેરાની વસુલાત કરવા માટે ભારે કમર કસી હતી અને માર્ચ એન્ડીગના દિવસે મોડે સુધી કરવેરા ભરવાની કામગીરી ચાલુ રાખી હતી તેથી ગત વર્ષ કરતા પણ નગરપાલિકાને કરવેરાની સારી એવી આવક થઈ છે જેમાં માર્ચ એન્ડીગ સુધી આખા વર્ષની રૂ.19.19 કરોડના કરવેરાની આવક થઈ છે. નવા નાણાકીય વર્ષના કરવેરાની વસુલાત હવે 5 એપ્રિલથી શરૂ થશે. પાછલા વર્ષના રૂ.15.28 કરોડના બાકી કરવેરામાંથી 7.58 કરોડ જ્યારે ચાલુ માગણામાં રૂ.14.47 કરોડમાંથી 11.62 કરોડના કરવેરાની વસુલાત થઈ છે એટલે ચાલુ વર્ષમાં 80 ટકાથી વધુ અને પાછલા વર્ષમાં 49.56 ટકા જેટલા કરવેરાની વસુલાત થઈ છે.આમ કુલ બન્ને થઈને 65 ટકા જેવી કરવેરાની વસુલાત થઈ છે.

નગરપાલિકાએ આ વખતે છેલ્લી ઘડીએ કરવેરા ભરવા માટે સરકારની ખાસ વ્યાજમાફીની યોજના લાગુ કરી હતી. જે ઘણી જ ફળદાયી રહી હતી. વ્યાજમાફીના કારણે છેલ્લી ઘડીએ લોકોએ કરવેરા ભરવામાં ભારે ઉત્સાહ બતાવતા પાલિકાની તિજોરી છલકાઇ હતી. જેમાં કરવેરામાં રૂ.2.41 કરોડની વ્યાજમાફી અપાઈ છે.આ ઉપરાંત નગરપાલિકાની 10 ટકા ખાસ રિબેટ યોજનામાં રૂ.1.24 કરોડની કર રાહત આપવામાં આવી છે.

- text

લોકોએ તો કરવેરા ભરવા સામેથી આગળ આવ્યા હતા. પણ પણ જેની નૈતિક જવાબદારી બને છે એ ખુદ સરકારી કચેરીઓએ કરવેરા ભરવામાં વર્ષીથી ઉદાસીનતા જાળવી રાખી છે. જેમાં મોરબી કોટન મર્ચન્ટ, ગિબ્સન મિડલ સ્કૂલ (જૂની જિલ્લા પંચાયત), મેરી ટાઈમ બોર્ડ, સરકારી પશુ દવાખાનું સહિતની સરકારી કચેરીઓના વર્ષોથી 3 કરોડથી વધુના બાકી કરવેરા હજુ ભરાયા નથી. સરકારી કચેરીઓ વર્ષોથી વેરો ભરવામાં ભારે ઉદાસીન રહી છે. સામાન્ય વેપારીઓ સામે જપ્તી ઇસ્યુ કરનાર નગરપાલિકા આવી કચેરીઓ સામે કેમ ટૂંકી પડે છે તે વેધક સવાલ સૌને અકળાવી રહ્યો છે.

- text