મોરબીના સોખડા નજીક લેમીનેટ ફેકટરીમાં ફીનોલ કેમિકલ ચોરવાનું કૌભાંડ ઝડપી લેતી ક્રાઇમબ્રાન્ચ

- text


એલસીબી ટીમે દરોડો પાડી ટેન્કરમાંથી ફીનોલ કેમિકલ ચોરી ફેક્ટરીની ટેન્કમાં ઠાલવનાર ટેન્કર ચાલક અને ક્લીનરને ઝડપી લીધા, વચેટીયો ફરાર, ફેકટરીના માલિક વિરુદ્ધ પણ ગુન્હો નોંધાયો

મોરબી : મોરબી ક્રાઇમબ્રાન્ચે હાઇપ્રોફાઇલ કેમિકલ ચોરીનો પર્દાફાશ કરી લેમીનેટ ફેકટરીમાં ટેન્કરમાંથી બારોબાર ફીનોલ નામનું કેમિકલ ચોરવાના કૌભાંડમા 41 લાખથી વધુનો મૂદામાલ કબ્જે કરી ટેન્કરના ડ્રાઇવર ક્લીનરને ઝડપી લઈ ફેકટરી સુધી કેમિકલ ટેન્કર પહોંચાડનાર વચેટિયો અંધારામાં ઓગળી જતા તેના વિરુદ્ધ તેમજ લેમીનેટ ફેકટરીના સંચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને સચોટ બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના સોખડા નજીક આવેલી ફાસ્ટેન લેમીનેટ ફેકટરીમાં લેમીનેટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ફીનોલ નામનું કેમિકલ હાઇવે ઉપરથી પસાર થતા ટેન્કરમાંથી ચોરવામાં આવે છે, જે બાતમીને આધારે ક્રાઇમબ્રાન્ચે ફાસ્ટેન લેમીનેટ ફેકટરીમાં મોડીરાત્રે દરોડો પાડતા જીજે – 12 – BW – 7751 નંબરના મહિન્દ્રા બ્લેન્જો ટેન્કરના ચાલક રાજેશભાઇ રામજીભાઈ ડવ, રહે.નાગલપર, તા.અંજાર, જિલ્લો ભુજ અને ક્લીનર અજીતસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, રહે.અંજાર કચ્છ મૂળ રહે પાટડી બજાણા, સુરેન્દ્રનગર જિલ્લા વાળાને ટેન્કરના સિલ તોડી લોખંડના બેરલમાં ફીનોલ કેમિકલ ચોરી કરી ફાસ્ટેન લેમીનેટ ફેક્ટરીની ટેન્કમાં ઠાલવતા રંગે હાથ ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન ફીનોલ કેમિકલ ટેન્કરને લેમીનેટ ફેકટરી સુધી લાવનાર નાગડાવાસ ગામનો લક્ષ્મણભાઇ નારણભાઇ રાઠોડ નામનો આરોપી પોલીસને જોઈ જતા પોતાની કિયા કંપનીની કાર નંબર જીજે – 36 – AC – 7775 નંબરની રેઢી મૂકી રાત્રીના અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો.

- text

આ હાઇપ્રોફાઇલ ફીનોલ કેમિકલ ચોરી કરી ફેકટરીમાં ઉપયોગ કરવા મામલે મોરબી એલસીબી ટીમે ફાસ્ટેન લેમીનેટ ફેકટરીના જ્યેન્દ્રભાઈ રામજીભાઈ આદ્રોજા, રહે.મોરબી, કેમિકલ ટેન્કરને હાઇવે ઉપરથી ફેકટરી સુધી લાવનાર અને પોલીસને જોઈ નાસી જનાર નાગડાવાસ ગામના લક્ષ્મણભાઇ નારણભાઇ રાઠોડ નામના બન્ને આરોપીઓને ફરાર દર્શાવી કેમિકલ ભરેલા બેરલ, ટેન્કર, મોબાઈલ ફોન, કેમિકલ વેચાણના રોકડા રૂપિયા 12 હજાર રોકડા, કિયા કાર તેમજ લેમીનેટ ફેક્ટરીની ફીનોલ ટેન્કને સિઝ કરી કુલ 41,70,220નો મુદ્દામાલ કબ્જે કરી ટેન્કરના ચાલક રાજેશભાઇ રામજીભાઈ ડવ અને ક્લીનર અજીતસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલાને અટકાયતમાં લઈ ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં આઇપીસી કલમ 407, 411 અને 114 મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text